રમણીક અગ્રાવતની કવિતા/કાગવાણી

૧૭. કાગવાણી

રોજ સવારે કાબર કાગને કોઢ્યે બોલાવવા જાય
વરસો જૂનું ગાણું કાગભઈ એનું એ જ ગાય
ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ
કાલ સવારે આવું છું
કાબરબાઈઓ કરે ઢસરડા
આખો દિ’ના લોહી ઉકાળા લટકામાં કોઢ્યનો આંટો
કામ કામ ને કામ કાબરને
કાગને આરામ

વારતામાં અટવાણી વાત
કાગડાની વટલાણી જાત
એક દિ’ એ બોલી બેઠો;
પાણીનો પડછાયો લાવો
નભનો વાદળી પાયો લાવો
લાવો, પવન બાંધીને આવો
જાવ કાબરબાઈ, કાલ સવારે પાછાં આવો –
અર્‌ર્‌ર્‌ કચરી જીભ કળેળ્યો વળી એકદમ
લુહારિયા, ફૂંક ધમણ ફૂંક
તપાવ લોઢું લાલ, વધુ લાલ
ચાંચ અગ્રે રોપ તારો રોષ
તિરસ્કાર ધૃણા ક્રોધ ઉથલાવ
ઉથલાવ સઘળો દાબ
રોપ સઘળું તીક્ષ્ણ અગ્રે
ફૂંક ધમણ ફૂંક
આંખ ખૂણે રેલાય પાણી, છમકાવ, મૂક
ધધખતી ચાંચ મૂક

દિવસો ઠલવાઈ ઢળ્યા મહિના
મહિના કલવાઈ વળ્યાં વરસ
વીતે વિફળ્યાં વરસવરસો
ચાંચ અગ્રે ટમકતો જીવ લાલ માંડ.
કાબરબાઈ,
ચાંચુડી ઉઠાવું ત્યાં ફસડાય પાંખ
ઊંચકાય પાંખ ત્યાં ઠરડાય આંખ
વળે વળી માંડ આંખ ત્યાં દિશોદિશ ઝાંખ
કાબરબાઈ, કાલ સવારે –