રમણીક અગ્રાવતની કવિતા/ડાબા-જમણી દશા

૬૫. ડાબા-જમણી દશા

હું ડાબોડી થયો એમાં
ફાવી ગયો જમણો હાથ.
કરું કે ના કરું એવી અવઢવમાં હોય હજી જમણો
ત્યાં કૂદી પડે ડાબો ફટાક.
જ્યાં જ્યાં જમણો પહેલાં હોવો જોઈએ
ત્યાં ત્યાં ધસી જાય અક્કલમઠો ડાબો આપમેળે.
કંઈ પણ કર્યા વિના ખાસમખાસ જમણો
કંઈ કેટલીય માથાકૂટોથી રહે સાવ અલિપ્ત.
ડાબાની દશા જોતો જમણો
બૌદ્ધિક ચિંતકની અદામાં
જમણાપણાનું જમાપાસું માણે છે.
જમણો જાણે છે કે
વૈતરણી તરાવવા એનો જ ખપ પડવાનો છે.
વૈતરાં કરીને ય
ડાબો તો ડાબે જ રહી જવાનો છે.