રમણીક અગ્રાવતની કવિતા/ડૂબી ગઈ ટેકરી
૫૭. ડૂબી ગઈ ટેકરી
ધાજો રે ધાજો રે ધાજો રે ધાજો કોઈ
ઝાકળમાં ડૂબી ગઈ ટેકરી
ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ વા’લા મૂઈ
હમણાં તો ઊભી’તી એકલી...
તૂટ્યો કેડેથી પગદંડીકંદોરો
ઊડ્યો પાલવ ને ભેરવાયો ઝાંખરે
ના ચકલાં કે લેલાં કે કાબર હલેચલે
પવન ભાંગી પડ્યો કે ખાય પોરો
ખોળો રે ખોળો રે ખોળો રે ખોળો ક્યાં ગઈ વેખલી*[1]...
લાલપીળાંલીલાં બોર ઝગમગતાં ઝુંડમાં
થોડાં દેખાતાં ઝાઝાં સંતાતાં આડમાં
સસલાં ભરાયાં બધાં થોરિયાની વાડમાં
ઉતાવળે આંખ તું આ ટેકરીને ખૂંદમાં
મળી ગઈ, મળી ગઈ, મળી ગઈ
સ્હેજ અંદર ગરકી ગયેલી ટેકરી...
- ↑ * વેખલી : વાત વાતમાં ખડખડ હસી પડે તેવી.