રમણીક અગ્રાવતની કવિતા/તિથલ

૩. તિથલ


કાંઠે તૂટતાં ફીણનો છૂમ્મકાર
પવન ઝૂઝતો મધદરિયા મોઝાર
પાણી પાછાં પગલે નાસે
ઘડીમાં હડી કાઢતો છેક ફૂંફાડો પાસે
છીપ શંખ કરચલા કાદવ
પગ હેઠળથી સરકે ભીની રેતી
દૂર દૂરથી હોડી આવ્યા કરે
આવ્યા કરે સતત
પાસે ને પાસે ટમટમતી
ખારાત્રસ આકાશમાં પંખી પાંખ વીંઝતું
જાય ઊંડાણે..