રમણીક અગ્રાવતની કવિતા/નિશાચર
૧. નિશાચર
ખખડધજ પવનમાં ખખડે ખંડેર
જર્જરિત ચન્દ્ર માંદલું જોયા કરે
ચૂપચાપ પોઢ્યું ઘાસનું લશ્કર
પથ્થરોની છાતી પર
ફિક્કા નક્ષત્રોના ટેકે રહ્યુંસહ્યું આકાશ
છેટે હલ્યાં કરે
આંધળાં ઢગ વાદળોનાં ખડકાયાં ખડકાયાં
ચોંકી ઊઠે કોઈક ક્ષિતિજ એકાકી પંખીરવે
સદીઓનાં ઘડિયાળો મૂંગામસ
અલસગમન કૃષ્ણાના મદ ઝરતા પાલવમાં ઢબૂરાઈ
જંપ્યાં જળ
પાઇપો પરબો કૂવા નદી સર સમુદ્રો આંખોનાં
જળ ઝમી રહ્યાં
ઊંડે ઊંડે કોઈ ભ્રૃણમાં.