રમણીક અગ્રાવતની કવિતા/પ્રભાતિયું

૨૭. પ્રભાતિયું

ઊગિયા સાથિયા શુકનિયાળ ભીંતમાં
આંગણ ઝગમગે દીપમાળા,

મલપતો મંદ મલય ફરફરે
થાય પરગટ પ્રભાત રૂડાં.

ફળિયે હરેફરે મોગરા મોગરા
હોંશથી તડકો શેરી માંજે,

સૂંઘતો પગરવ તુલસીક્યારો
દ્વાર ભણી અમસ્તું નિહાળે

કાબર ચકલાં પોપટ લેલાં
આંગણે ઝાડમાં બેઠાં ચહચહે,

બાંધતાં તોરણ કલબલાટે ઘણાં
ઊઘલતું આંગણું અવસરોમાં.