રમણીક અગ્રાવતની કવિતા/મદિરા

૨૨. મદિરા

અંધારાને ભૂંસવા ઝૂઝે ચન્દ્ર અધીર
ઝાડ તળેની ચાંદની ડ્‌હોળે ઝટ સમીર

ગંધ કહે કે ‘હું ચઢું’ પવન કહે કે ‘હું’
વડછડ મીઠી વેરતી રાત કહે કે ‘છું.’

ઓચિન્તા જાગી પડી કોકિલ બોલે ‘કૂ....’
પળને પોરે ઠેકતો વાયરો હભળક છૂ....

સન્નાટાના સાપને ચઢિયાં ઘેન મદીર
જળ જપ્યાં દશ દિશના કાળવતીને તીર.