રમણીક સોમેશ્વરની કવિતા/અનુકંપન

૩૫. અનુકંપન

કાચી-પાકી ઊંઘમાં
આળસ મરડી
ઊભા થાય પહાડ
દીવાલોની તિરાડોમાંથી

ધ્રૂજી ઊઠે
દીવાલને ટેકે ટીંગાતા
ગોવર્ધનધારી
ગરોળીની દોડાદોડથી
સજીવન થાય ઓરડો
ઊડાઊડ કરતાં ફૂદાં
બ્રહ્મલીન થાય
ગરોળીની લપકતી જીભમાં

વિસ્તરતી વિસ્તરતી
તિરાડો
છબિના હિમાલયમાં
ગાળે હાડ
ખરેલા પોપડાને
હાથમાં લઈ
અડકાડી ગાલે
મૂકી દઉં
મોરપિચ્છની જેમ
મારી કાવ્ય-પોથીમાં
ને
મીંચી લઉં આંખ
ચૂપચાપ