રમણીક સોમેશ્વરની કવિતા/અવાવરુ ઊંડાણો

૧૭ . અવાવરું ઊંડાણો

પડ ખોદું
પળપળ ખોદું
તળ ખોદું
વિહ્વળ ખોદું
જળ ખોદું
ઝળહળ ખોદું
ખોદું
બસ, ખોદ્યા જ કરું
પરસેવે નીતરતો
પરશે હવા
ઘડીભર હા...શ કરીને
ઘચ્ચ...
ફરીથી ખોદું
ખોદુંખોદું
ત્યાં તો નીકળે
અચરજ અપરંપાર
રાતી કીડીની હાર
કરોળિયાનાં જાળાં
ભમરીનાં દર
કંકાલ
કાલનું
અકબંધ
માટીની ભેજલ ગંધ

ખોદું
ખોતરું
ઊતરું ઊંડે
ગૂંગળાતો
મૂંઝાતો
હાંફતો
એક પછી એક
અચંબાનાં પડ ઉકેલતો
હું ય અચંબો...

હું જ
ત્રિકમ-કોદાળી ને પાવડો
હું જ
ભીતરની માટી
હું જ
અંદર ને અંદર કહોવાઈ ગયેલાં
વૃક્ષોનાં મૂળ
ધૂળ ચોમેર ધૂળ
ક્યાં છે કુળ કે મૂળ માણસનું

માટીનો આ દેહ
દેહની ચેહ સુધીની ગતિ
(વચ્ચે રતિ, જતિ યતિ)

ગૂંદું માટી
ભીની માટી
અગ્નિની જ્વાળાઓ વચ્ચે
ભડભડ બળતી માટી
વાયુ સાથે વહી જતી
ખેતર-ક્યારે મૂળ નાખતી
અને પછી
આકાશ આંબતી માટી

કોણ મનુ
ને હવ્વા-આદમ કોણ
સફરજન કોણે ખાધું?
કોણ પાંસળીમાં ઘૂઘવાટા નાખે!
કોણે લથબથ કીધી ધરતી
કોણે નીંભાડે મૂકીને આપ્યો ઘાટ
મૂક્યો થોડો
ચાંદાનો રઘવાટ
વહેતા મેલ્યા
નદીયુંના આવેગ
ભરીને દેગ
ઊકળવું કોણે મૂક્યું!

ખોદું
ઊની હવાની આંચ
ખોદું
તરડાયેલું સાચ
ખોદું
ત્યાં છાતીમાં ખૂંપે
વીતેલી સદીઓના
ઝીણી કચ્ચર કચ્ચર કાચ

હાંફું
અટકું
હાંફું
ખોદું
ફરીફરીને ખોદું
ખચ્‌ ખચ્‌ ખચ્ચાક
જોયા કરું
આશ્ચર્યવત્‌

ઊછળે
મારી આંખોમાં સાગર
સાગરને અંકોડે ભેરવેલી
નદીઓ
અને
નદીઓનાં મૂળ લગી –
જતાં જતાંમાં
તરફડતી સદીઓની સદીઓ

ખોદું
પડ
તળ
જળ
છળ
વિહ્વળ

ખોદું ખોદું
ને
ખદબદે છે બધું.