રમણીક સોમેશ્વરની કવિતા/આપણી ભાષા

૬૧. આપણી ભાષા


બાળા ગોળીનું ઘારણ
અને તન્દ્રાનું મારણ
છેવટે તો આપણું ધારણ
આપણી ભાષા


આપણા ગભરામાં
ઝબકતું અજવાળું
આપણી ખીણોમાં
ગૂંજતો નાદ
પહાડો વચ્ચે
પડઘાતો સાદ
જળ થળ વાયુ આગને
અંડોળતું આભ
આપણી ભાષા


આપણે ઓઢાડેલાં
બધાં આવરણ ઉતારી
રોજે રોજ
આપણી ભીતરના
અચંબા ઉઘાડતી
આપણી ભાષા


બારાખડી વિનાની
બધી જ બોલીઓ
અને બધી જ ભાષાઓની
બારાખડીઓનો
ઊછરતો લય
આપણી ભાષા


સુકાયેલી જીભ
અને
ચોળાયેલો કાગળ લઈ
બેઠા હોઈએ ટેબલ પાસે
ત્યારે
આપાણી ભીનપને
ફણગાવી ફણગાવી ને
આપણને
તાજા રાખતી
આપણી ભાષા