રમણીક સોમેશ્વરની કવિતા/ઊંચે ને ઊંચે બસ...

૪૫. પંખી

ઊંચે ને ઊંચે બસ ઊડ્યા કર્યું
ને પછી પંખીએ ભેદ્યું પાતાળ
મૂળિયાથી છટકીને આકાશે પહોંચી ગઈ
રણઝણતી રણઝણતી ડાળ

કાંઠે પડેલ એક છીપલામાં
ગૂંજરવા લાગ્યો છે ધીમે ઘૂઘવાટ
પાણીની છાલક લ્યો, દૂર દૂર પહોંચી ગઈ
છોડીને પોતાનો ઘાટ
રેતીમાં ખૂંપેલા ફૂંકાયા શંખ
જુઓ, વીંધીને આખી ઘટમાળ
– ઊંચે ને ઊંચે બસ...
વાદળીએ સ્હેજ જરા લંબાવ્યો હાથ
ત્યાં તો પરપોટો થઈ જાતો ઝરણું
ઝાકળને અંજલિમાં ઝીલીને
ઝળહળતો સૂરજ બની જાતું, તરણું
દરિયાની માછલીને તળિયેથી લાધી ગઈ
આકાશી તારાની ભાળ
– ઊંચે ને ઊંચે બસ...