રમણીક સોમેશ્વરની કવિતા/કવિતા

૫૧ . કવિતા

કોઈ વણદીઠું પંખી
આંગણામાં આવે એમ
ક્યારેક
આવી ચડે છે કવિતા
પછી
આસપાસનું કેટલુંય
અજાણ્યું
ઓળખીતું થવા લાગે છે
હું મને જોઉં છું
સાવ નવેસરથી
અને પછી
ડાળીએથી પાંદડાં ખરે એમ
ખરવા લાગે છે
મારી બધી જ ઓળખ

આંગણું-પંખી-આકાશ
બધું
ધીમે ધીમે
ઠરીઠામ થાય છે મારામાં
અને
કાગળ પર પડેલો
પંખીનો પડછાયો
ઊડવા લાગે છે
મને લઈને