રમણીક સોમેશ્વરની કવિતા/કાંડી

૩૯ . કાંડી

બોલો ચતુર સુજાણ
કાંડી રે ચાંપીને કીધાં કેવા કમઠાણ

રોળી કાચા રે અળાયા કેરી રાખ
કેવાં રે સંધૂકણ કીધાં સામટાં
માગ્યો નેહ
ને ખડકલા કીધા ચેહના
કેવા રાતા રે નવાણે રેલા નીતર્યા
બધે તાણ તાણ તાણ
બોલો, ચતુર સુજાણ

કાંડી તો રાંધણિયાની આબરૂ
કાંડી ધીમો રે રવેશનો ઉજાસ
એમાં ભડભડ ભડકાઓ ક્યાંથી સાચવ્યા
આ રે રમત કેવી આદરી
ઊભાં કીધાં રમખાણ
બોલો, બોલો, ચતુર સુજાણ.