રમણીક સોમેશ્વરની કવિતા/કાગળ

૫૨. કાગળ

કાગળ
હોય છે જ્યારે કોરો
ત્યારે જ હોય છે
ખરેખરો કાગળ
સૌથી વધુ ભર્યો ભર્યો

તળ-અતળની
અનંત અજાયબીઓ
અકબંધ હોય છે
એની પાસે
અને
ખળભળતી હોય છે એનામાં
લેખણની શોધ પહેલાંની
ભાષા
ઘુંટાયા કરતો હોય છે
અવાજનો આકાર બંધાયા પહેલાંનો
ધ્વનિ
પૃથ્વીના જન્મ પહેલાંની
ગંધો લઈ
ઘૂમરાતો હોય છે
વાયુ
એની ચામડી નીચે
સળવળતી હોય છે
સૃષ્ટિના બીજારોપણની
કથાઓ
હું
અક્ષર પાડીને
એને ઉકેલવા મથું છું
ને
ફરી ફરીને
મારી નજર ખોડાય છે
અક્ષરો વચ્ચેના
ખાલીપણા પર