રમણીક સોમેશ્વરની કવિતા/ખારવણ હીબકાં ભરે છે ને

૨ ખારવણ હીબકાં ભરે છે ને

ખારવણ હીબકાં ભરે છે ને
દરિયાની છાતી મૂંઝાય છે

તૂટેલી હોડીને પૂછે છે ખારવણ
પોતાના દરિયાની વાત
ઝીલે છે હલ્લેસાં છાતીમાં
વીખરાતી મેલીને પોતાની જાત
સબ્બાક! દરિયાને કંઈનું કંઈ થાય છે
ખારવણ હીબકાં ભરે છે ને
દરિયાની છાતી મૂંઝાય છે

દરિયામાં ઓગળેલ દરિયાને ફંફોસે
ખંખોળી સાતે પાતાળ
આંખોમાં આંખો પરોવીને ખારવણ
દરિયાને પૂછે છે ભાળ
અરે, અરે, દરિયાઓ સુકાતા જાય છે
ખારવણ હીબકાં ભરે છે ને
દરિયાની છાતી મૂંઝાય છે