રમણીક સોમેશ્વરની કવિતા/ખેલ

૩૬ .ખેલ

ખરો ખેલ પાડ્યો આણે તો –
પરથમ
પૂર્યો ભોરિંગને
કરંડિયામાં
પછેં આપ્યું
પરથમીનું બેસણું
પછેં
છેડી બીન
તે
રાગેરાગે ફૂંફાડા
તાળિયું વગાડતાં છોકરાં
જંબૂરિયાં થઈ નાચવા લાગ્યાં
ઢમઢમકી ઢોલકી લઈ
એય ભાગે
તેય ભાગે
ત્યાં ફૂંફાડે ફણધરને –
ઝાટક્યા સૌને
ગારુડીને
કેવું ચડ્યું તાન
તે
બીન છૂટે જ નહીં હોઠેથી
એણે દોરેલી
ઊંચી-નીચી, વાંકી-ચૂંકી
બધી જ સીમારેખાઓ
રફેદફે
સાપોલિયા જેમ
સળવળે
ને ચગદાય માણહ
ઓલ્યું આકાશ
નીચે નમી
જોયા કરતું ખેલ
કરે અટ્ટહાસ
ખરો ખેલ માંડ્યો
આણે તો...