રમણીક સોમેશ્વરની કવિતા/ઝરમરિયાં

૧૫ . ઝરમરિયાં

૧.
કાગળને
અંધારામાં ઝબોળ્યો
ને
જોયું તો
મારા હાથમાં
સૂરજ હતો.

૨.
કાળું વાદળું
સૂરજને ભરખી ગયું
ને
ઉભરાવા લાગ્યો
મારો શાહીનો ખડિયો

૩.
છેક દરિયાકાંઠેથી
પાછો ફરી
ધારેધારે ચાલતો
પહોંચ્યો
પહાડની ટોચે
અને જોયું તો
એક પંખી
તરણાની જેમ
ઝરણાને
ચાંચમાં લઈને
બેઠું હતું

૪.
ઝરણું
માટીમાં
અક્ષર જેવું
વમળાય
ને
તરણાં
શિરોરેખા થઈ
ગોઠવાઈ જાય
ધારેધારે