રમણીક સોમેશ્વરની કવિતા/ટેબલ (૧)

૫૩. ટેબલ (૧)

શબ્દો
ધુમ્મસમાં ડૂબ્યા છે
અને હું
સૂરજ ઊગવાની
રાહ જોયા કરું છું
દરિયા જેવું ટેબલ
ભરતી-ઓટમાં
ઊચકાતું-પછડાતું રહે છે
અચાનક
મોજાં ઊછળે છે
હોડીઓ
તળે-ઉપર થાય છે
કાંઠે બેઠેલા છોકરાના ગલમાં
પકડાતી નથી
એક પણ માછલી
પરવાળાના ટાપુ
દરિયાનાં મોજાંના
ચાળા પાડે છે
હેઈસો હેઈસો
પોકારતો હું
હલેસાની જેમ
હલાવ્યા કરું છું કલમને
આમથી તેમ
ઓચિંતું
શાહીનું એક ટીપું
ટપકે છે
હવે
સૂરજ ઊગે
તો ખબર પડે કે
એ ટપકું
મોતી છે
કે
રેતી