રમણીક સોમેશ્વરની કવિતા/તરવરતા તોખાર

૯. તરવરતા તોખાર

તરવરતા તોખાર
કૂદ્યા હણહણતા તોખાર

દશે દિશાની દીવાલ ઘેરી
બાંધેલા એ
પડ્યા તબેલા ટૂંકા
કાળા ભમ્મર પડે ડાબલા
અહો ડાકલાં
તડાક તબડક
તડાક તબડક
બધુંય ભૂકંભુક્કા

હણહણતો ફેલાયો હાહાકાર
કૂદ્યા તરવરતા તોખાર

ધ્રુજ્યા
પીઠ તણા થરકાટે
ધ્રુજ્યા પહાડ
પસીના રેલંછેલા
છૂટ્યા
ને
આ ધુમ્મસ ધુમ્મસ ધુમ્મસ વચ્ચે
આંતરડાનાં
વણ્યાં દોરડાં તૂટ્યાં
છૂટ્યા
છાક દઈને છટકતાં તોખાર
કૂદ્યા હણહણતા તોખાર