રમણીક સોમેશ્વરની કવિતા/થીજી ગયેલો સૂરજ

૨૦. થીજી ગયેલો સૂરજ

થીજી ગયેલો સૂરજ
પીગળે અંડકોષમાં
પીગળે
ત્યાં રેલાવા લાગે
પહાડ
ગબડતો ચાંદો
દરિયે ડૂબે
ચાંદો
પાતાળે જઈ
બને ગોખનો દીવો
ગોખને
ફૂટી નીકળે પાંખ
પાંખમાં
ઊછળતું આકાશ
સૂંઘતું
ઘોર વનોના અંધારાને
ભેજભર્યું અંધારું
ધીમે
કોળે