રમણીક સોમેશ્વરની કવિતા/પંખી
૨૪. પંખી
પંખી તો ઊડ્યું
ઊડ્યાં પાછળ ઝાડ
પહાડ પણ ઊડ્યા
થંભી ગયાં
નદીનાં વહેણ
સમદર થીજ્યા
લીટી થઈ લંબાયાં
ઝરણાં
પવન
સીમને વળગી બેઠો
પડછાયાની જેમ
ખેતરો
ગોળ ગોળ ફૂદરડી ફરતાં
આકાશે પથરાયાં
ચાડિયા
ચાસચાસમાં
ધોધમાર રેલાયા
આભ અને ધરતીની વચ્ચે
મેઘધનુ જેવા ડૂંડાને
લઈ ચાંચમાં
ઊડ્યું પંખી...