રમણીક સોમેશ્વરની કવિતા/પર્વત ઉપર ખીણ ઝળુંબે
૪૩. પર્વત ઉપર ખીણ ઝળુંબે
પર્વત ઉપર ખીણ ઝળુંબે
ખીણોમાં નભ પડઘાતું
આજે આ કેવું થાતું!
હલ્લેસાંની પાંખે ઊડે
હાલક ડોલક હોડી
મધદરિયે જઈ ડૂબકી મારે
કાંઠા પરની કોડી
એક તણખલું પાંખ પ્રસારી
આકાશે ઊડી જાતું
આજે આ કેવું થાતું!
માછલીઓની માફક લસરે
ટેકરીઓનું ટોળું
પંખીને પણ એમ થતું કે
ક્યાં જઈ ચાંચ ઝબોળું
વૃક્ષો ખળખળ વહ્યા કરે ને
તળાવ ઊભું મૂંઝાતું
આજે આ કેવું થાતું