રમણીક સોમેશ્વરની કવિતા/બે સમુદ્ર કાવ્યો

૨૧. બે સમુદ્ર કાવ્યો


ચંદ્ર
અંકોડો ભેરવીને
ઊભો છે કાંઠે
અને
તરફડે છે આખો સમુદ્ર
ચાંદનીની જાળમાં
સપડાયો છે પૂરો
આરડે છે એની ભીતર
યુગોના યુગો



રાશ હાથથી છૂટી ગઈને
હણહણતા આ ઘોડા
એની ખરીઓના દડબડાટ વચ્ચે
ઘસડાતો ઘસડાતો
પહોંચ્યો
ફીણફીણ સાગરના કાંઠે
દરિયો અડીઅડીને ભાગે
ભીની રેતી જેવો હું અહીં
સરી જતી માછલીઓને બસ,
જોયા કરતો