રમણીક સોમેશ્વરની કવિતા/રણકાંધીનો સૂરજ

૨૩. રણકાંધીનો સૂરજ

(બન્ની રણ-પ્રવાસ એક સ્મૃતિ)

સ્મૃતિમાં
ઊંડેઊંડે
મોરચંગના સૂર
ને આંખોમાં
અટવાયેલું રણ

હાથલા થોર જેવો હું
ઊભો રણની વચ્ચે
ખારના ચળકાટમાં
ઝલમલતો
ચામડીના એક પછી એક પડને ખોતરતો
માથે ધગધગતો સૂરજ
રણની લિસ્સી રેતી સાથે
ઊતરી જાય મારી ભીતર
ડમરીમાં ફંગોળાતો સૂરજ
તરખાટ મચાવે ફેંફસામાં

રણની વચ્ચે વાંઢ

વાંઢમાં કૂબા
કૂબામાં તરવરતી
માછલીઓ જેવી
સેલારા લેતી
મારકણી ને તીખી
મદભર આંખોમાં
અટવાતો સૂરજ

કમખે ટાંક્યાં આભલાંમાં
વિવસ્ત્ર
રમવા ઊતરતો
ને અનંતરૂપે વિસ્તરતો
સૂરજ...

સ્મૃતિમાં

છેક ઊંડેઊંડે
મોરચંગના સૂર...