રમણીક સોમેશ્વરની કવિતા/શિશુ
૩૧. શિશુ
મારી પાસે તો હતું
મટમેલું આકાશ
શિશુના પલકારામાં
મેં એને નિર્મળ થતું જોયું
જોયું
શિશુની જીભ પર
ભાષાનું પારણું
મુખમાં મૂકેલી
માટીભરી આંગળીઓમાં
જોઈ મેં
પુલકિત થતી પૃથ્વી
પંખીના એક ટહુકારે
એના કાનમાં
સળવળ થતું જંગલ મેં જોયું
પતંગિયાને જોતાં જ
લંબાયેલા એના હાથમાં
મેં જોયા
પાંખો ફૂટેલા સમુદ્રો
એની મુઠ્ઠીમાં કેદ હવાને છોડાવવા
મેં કર્યો પ્રયત્ન
તો હચમચી ઊઠી સૃષ્ટિ
મેં ચૂમી લીધો
એનો ગાલ
ને
મારી શિરાઓમાં
વહેવા લાગી નદીઓ