રમણીક સોમેશ્વરની કવિતા/શોધું છું આકાશમાં પદચિહ્નો

૧૮ . શોધું છું આકાશમાં પદચિહ્નો

શોધું છું આકાશમાં પદચિહ્નો
જે હમણાં જ ઓગળ્યો
તે સૂરજનાં

ડાળીઓના હાથ લંબાવી
પર્ણોની આંગળીઓથી
વૃક્ષો લૂછે છે આકાશનો ચહેરો

કેટલીય નિશાનીઓ ભૂંસાઈ જાય છે એ રીતે
સાંજે આકાશમાં પક્ષીઓ અક્ષર પાડે છે
તે ઊપસી આવે છે રાતે
તારા થઈને
સવાર પડતામાં
ફરી કોઈ ફેરવી દે છે પોતું
ને
આકાશની પાટી કોરી કટાક
કાળાંધબ વાદળાંથી ઢંકાયેલા
આકાશને ચીરીને
વીજળી શોધે છે કશુંક
કદાચ ફલક નીચે કંડારેલાં
કોઈ શિલ્પો
ત્યાં –
વરસાદ ધોઈ નાખે છે બધું
બધાં જ ચિહ્નો
પાણીના ધધૂડામાં વહી નીકળે છે
આકાશ આકાશ રહે છે
અને હું
શોધ્યા કરું છું આકાશમાં પદચિહ્નો
સમયનાં