રવીન્દ્રપર્વ/રવીન્દ્રનાથ અને ગુજરાતી સાહિત્ય


રવીન્દ્રનાથ અને ગુજરાતી સાહિત્ય

સાહિત્યના સર્જનમાં કયાં કયાં ઉપાદાનોનું કેવે સ્વરૂપે રૂપાન્તર થઈને અન્તે સાહિત્ય નામનો પદાર્થ નીપજી આવે છે તે તારવી બતાવવું બહુ સહેલું નથી. સાહિત્યના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં અમુક એક કાળના સાહિત્યને ઘડનારાં પરિબળોની લાંબીલચક યાદી આપી દેવામાં આવી હોય છે. પણ એવી યાદીથી આવી સંકુલ પ્રક્રિયાનો કશો ખુલાસો ભાગ્યે જ થઈ શકે. અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારાં અનેક પરિબળોમાં રવીન્દ્રસાહિત્યના અનુશીલન-પરિશીલનનો પણ સમાવેશ થઈ શકે. તેમ છતાં, રવીન્દ્રસાહિત્યની ગુજરાતી સાહિત્ય પર શી અસર પડી, એનાં પરિણામો કેવે સ્વરૂપે પ્રકટ થયાં, તે કહેવું અઘરું થઈ પડે. સમર્થ સર્જકનો એક ગુણ એ હોય છે કે એ પોતે, પોતાના પ્રતિભાસામર્થ્યથી સિદ્ધ કરેલી અદ્વિતીયતાને બળે, પોતાનાં અનુકરણ અને અનુસરણને અશક્ય બનાવી દે છે; એટલું જ નહીં, એ એના ભાવકમાં રહેલી પ્રચ્છન્ન સર્જનશક્તિને પડકારે છે અને એના આગવા આવિષ્કાર માટે એને પ્રવૃત્ત કરે છે. આથી એ પોતાની પાછળ અનુયાયીઓનું સરઘસ લઈને ચાલતો નથી. એવી કશી પ્રવૃત્તિ શરૂ થાય તો એની સામેનો વિદ્રોહનો પ્રથમ સૂર એ પોતે ઉઠાવે છે. રવીન્દ્રનાથે એમ જ કર્યું છે તે સુવિદિત છે. આથી સ્પષ્ટ કરીને તારવી બતાવી શકાય, કાર્યકારણના કે કૃતિ-અનુકૃતિના સમ્બન્ધની પરિભાષામાં વર્ણવી શકાય એવી અસર તો સાહિત્યની કક્ષા સુધી નથી પહોંચી શકતી. નબળી, નરી અનુકરણાત્મક રચનાઓમાં જ કદાચ દેખાય. પણ એવી રચનાઓનું સુખ એ હોય છે કે એ જલદી મરી પરવારે છે. પોતાની આગવી પ્રતિભાની માવજત કરનાર સન્નિષ્ઠ સર્જક ગમે તેવા મહાન સર્જકના અનુસરણને મરણ બરાબર લેખે છે. એ સ્વધર્મને છોડતો નથી. આમ છતાં સાહિત્યિક આબોહવા નામની એક વસ્તુ હોય છે તે તો સ્વીકારવું જ રહ્યું. શૅક્સપિયરના જમાનાની સાહિત્યિક આબોહવા અને વિક્ટોરિયાના જમાનાની સાહિત્યિક આબોહવા ભિન્ન છે. સાહિત્યનો ઇતિહાસકાર એ બન્નેનાં વ્યાવર્તક લક્ષણોનો પરિચય કરાવતો હોય છે. આ આબોહવા ઘડવામાં તે તે યુગના સમર્થ સાહિત્યકારોનો મહત્ત્વનો ફાળો હોય છે. એ આબોહવામાં શ્વાસ લઈને જીવનાર એમાંથી જે પામે છે તેને પોતાની ચિત્તધાતુમાં આત્મસાત્ કરીને આગવું સ્વરૂપ આપી દે છે. રવીન્દ્રનાથે આપણા દેશની સાહિત્યિક આબોહવાના ઘડતરમાં ઘણો મોટો ફાળો આપ્યો છે એની ના નહીં. એ આબોહવાને આપણા દેશની ભિન્ન ભિન્ન ભાષાઓએ અને એ ભાષાઓના જુદી જુદી રુચિશક્તિવાળા સર્જકોએ પોતપોતાની રીતે આત્મસાત્ કરી છે. રવીન્દ્રનાથના પ્રભાવને આ સાહિત્યિક આબોહવાને ઘડનારા અન્ય ઘટક અંશોના સન્દર્ભમાં તપાસવાનો રહેશે. આપણે જે તબક્કાની વાત કરીએ છીએ તે ગાળામાં દેશભરમાં અને સવિશેષે ગૂજરાતમાં ગાંધીજીનો પ્રભાવ એક મહત્ત્વનું પરિબળ છે. ગાંધીજીએ રાષ્ટ્રચેતનાને ઢંઢોળીને જગાડી; વાસ્તવિક પરિસ્થિતિના સન્દર્ભમાં એમણે દેશની પાયાની સમસ્યાઓની વિચારણા કરી. આ વિચારણા અને કાર્યને નિકટનો સમ્બન્ધ હતો. ધર્મ પણ વ્યવહારમાં પ્રયોજાઈને પ્રત્યર્થ બનતો ગયો. ગીતાભાખ્યો ભૂતમાત્ર પ્રત્યેની આત્મીયતાનો ભાવ તેમ જ શત્રુ પ્રત્યે પણ વેર નહિ પણ સ્નેહ, એવા બુદ્ધના ઉપદેશને ગાંધીજીના જીવનમાં ચરિતાર્થ થતો આપણે જોયો. આને જ પરિણામે સાંકડા સીમાડાઓને ઉલ્લંઘી જતી વ્યાપક સહાનુભૂતિ, કરુણા, આર્જવ, અહિંસા, નિષ્ઠા અને અનાસક્ત કાર્યરતતા — આ ગુણોનો પ્રજાજીવન પર ભારે પ્રભાવ પડ્યો. સૌથી વિશેષ તો ગાંધીજીના સત્યને માટેના આગ્રહે, પરાધીનતાથી લાંછિત પ્રજાને નૈતિક બળથી પગભર કરી દીધી. ગાંધીજીની વિચારણાના પૂરક તત્ત્વ રૂપે રવીન્દ્રનાથના પ્રભાવે કામ કર્યું છે. પ્રકૃતિ સાથેનો નિબિડ સમ્પર્ક, ગ્રામજીવનને કેવળ સેવક તરીકે નહીં પણ સૌન્દર્યોપાસક તરીકે જોવાની દૃષ્ટિ, આનન્દનો મૌલિભૂત મૂલ્ય તરીકે સ્વીકાર, જીવવાની ક્રિયા પોતે જ કળા બની રહે એવી જીવનરીતિનો પુરસ્કાર, પ્રજામાં રહેલી સર્જકવૃત્તિને સંવર્ધે એવી શિક્ષણપદ્ધતિ, એ દૃષ્ટિએ સંગીત, નૃત્ય, ચિત્ર, શિલ્પાદિ કળાને શિક્ષણક્રમમાં સ્થાન: આ તત્ત્વો પ્રજાને કેટલીક અનુચિત સંકુચિતતામાંથી ઉગારી લેવામાં ખપમાં આવ્યાં. રાષ્ટ્રભક્તિ સંકુચિત ભૌગોલિક રાષ્ટ્રવાદમાં નહીં સરી પડે, અનાસક્ત કર્તવ્યરતતા ઈશ્વરના ઐશ્વર્યરૂપ આ સૃષ્ટિના રૂપ, રંગ, ગન્ધથી સાવ વિમુખ નહીં કરીદે તેની ચિન્તા રવીન્દ્રનાથને હતી. વૈભવને વ્યક્તિની માલિકીનો બનાવીને જકડી નાખીએ તો એ વિકૃત બને, પણ એ વિકૃતિના ભયથી ભડકીને વિશ્વવ્યાપી ઐશ્વર્ય પ્રત્યે પણ વૈરાગ્યવૃત્તિ કેળવીએ તો ઈશ્વરના ઐશ્વર્યનું ગૌરવ કર્યું નહિ કહેવાય. સૌન્દર્યાસ્વાદમાં પણ અનાસક્તિ રહી હોય છે. એ અનાસક્તિ જ સાચા આનન્દમાં કારણભૂત હોય છે એમ રવીન્દ્રનાથ પણ માનતા. ગાંધીજીએ સત્યની પ્રતિષ્ઠા કરી, સત્ય જ સૌન્દર્યનું ધારક બળ છે, સત્ય જ સૌન્દર્યનો મેરુદણ્ડ છે. આ રીતે સત્ય અને સૌન્દર્ય વચ્ચે વિરોધ નથી. પણ બેમાંથી એકની એકાન્તિક ઉપાસના પૂર્ણતાના સાધકને નહિ પરવડે. ગાધીજીએ પ્રેરક બળ ગીતામાંથી મેળવ્યું. રવીન્દ્રનાથે ઉપનિષદોમાંથી. આથી ‘અનાસક્તિ’ ગાંધીજીને મન મહત્ત્વનો શબ્દ તો ‘આનન્દ’ રવીન્દ્રનાથને મન મહત્ત્વનો શબ્દ. આ રીતે વસ્તુને રજૂ કરવામાં અર્ધસત્યને જ પ્રકટ કરવાનો ભય રહેલો છે. એથી આપણે સાવધ રહેવું ઘટે. ગાંધીજી અને રવીન્દ્રનાથ આપણને સાથે મળ્યા એ આપણા યુગનું પરમ સૌભાગ્ય છે, એટલું નિવિર્વાદ. દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ ગાંધીજી શાન્તિનિકેતનમાં રહ્યા. શિક્ષણને માટેની આશ્રમપદ્ધતિ બન્નેને અભિષ્ટ, છતાં આશ્રમ વિશેનો બન્નેનો ખ્યાલ જુદો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં એમને અભિમત આશ્રમજીવનની શરૂઆત તો કરેલી જ. અમદાવાદમાં સાબરમતી આશ્રમ શરૂ થયો. ગૂજરાત વિદ્યાપીઠ શરૂ થઈ. ગાંધીજીના નિકટના અન્તેવાસી મહાદેવભાઈ તથા નરહરિ પરીખે રવીન્દ્રનાથની કૃતિઓ: ચિત્રાંગદા અને વિદાય-અભિશાપનો અનુવાદ કર્યો એ એક સૂચક ઘટના છે. કાકાસાહેબની સૌન્દર્યદૃષ્ટિ અને એમના નિબન્ધનું ગદ્ય રવીન્દ્રનાથથી પ્રભાવિત થયેલાં છે. સમર્થ કવિ પોતાના સર્જનમાં પોતાની ભાષાની સમસ્ત કાવ્યપરમ્પરાના સમૃદ્ધ અંશોને પ્રકટ કરે છે. અથર્વવેદના ઋષિકવિએ આ પથ્થર, ધૂળ અને માટીની પૃથ્વીને વન્દન કરતાં કહ્યું: શિલાભૂમિરસ્માપાંસુ: તસ્યૈ હરિણ્યવક્ષસે પૃથિવ્યામ્ અકરં નમ:| એમણે આ પૃથ્વી જ આનન્દમયી બની રહે અને અહીં જ સખ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરતાં કહ્યું: પૃથિવી ન: સયોના| ઇહૈવ પ્રાણ: સક્યે નો અસ્તુ| પૃથ્વીને માટેનો આવો પ્રેમ અને પરલોકપરાયણતાને સ્થાને આ ઇહૈવનો સૂર રવીન્દ્રનાથની કવિતામાં આપણને સાંભળવા મળે છે. સીમામાં રહીને અસીમની નિબિડ ઉપલબ્ધિ, રૂપના સાગરમાં ડૂબકી મારીને જ અરૂપને પામવાની આશા એમની કવિતામાં વ્યક્ત થઈ છે. આથી પ્રકૃતિના સંસ્પર્શથી સૃષ્ટિના આદિકાળ સાથે પોતાની ચેતનાને સંપૃક્ત કરીને કાળથી અવ્યવહિત એવી અખિલાઈનો રવીન્દ્રનાથ અનુભવ કરે છે. એમનો ઈશ્વર શરૂઆતમાં પ્રિયતમ કે સખા રૂપે દેખાય છે, પણ પાછલી કવિતામાં સર્વવ્યાપી બૃહત્ તત્ત્વ રૂપે જ એ પ્રકટ થાય છે. વાલ્મીકિ અને કાલિદાસ પછી ફરી એક વાર રવીન્દ્રનાથમાં આપણે આપણા દેશની સમગ્રતાની માનસી છબિ નિહાળીએ છીએ. સંસ્કૃત કાવ્યસાહિત્યના વૈભવના, એઓ સાચા ઉત્તરાધિકારી છે. સંસ્કૃત કાવ્યસાહિત્યનો રવીન્દ્રનાથ દ્વારા થતો પુન:પરિચય દરેક ભાષાને અનેક રીતે ઉપકારક નીવડ્યો છે. લપટા થઈ ગયેલા સંકેતો અને રૂઢ કવિસમયો, અલંકારયોજનાની પ્રચલિત ધાટી: આ મર્યાદાઓને ઉલ્લંઘીને એમણે સંસ્કૃતના વારસાને પાદપીઠ તરીકે વાપર્યો. અલંકારરચનામાં ચાતુરીભરી કરામતથી પ્રસ્તુત અને અપ્રસ્તુતને અથડાવી મારવાને બદલે ઉત્પ્રેક્ષા જેવા અલંકારોમાં મનની સૂક્ષ્મતમ ભાવચ્છાયાઓને પણ ભેગી વણી લેવાની કળાસૂઝ પ્રકટ કરી. સદ્ય જાગ્રત વિસ્મયને કારણે એમની કવિતામાં એક પ્રકારની તાજગીનો અનુભવ થાય છે. મહાભારતકારની જેમ રવીન્દ્રનાથે માનવની મહત્તાને પણ બુલંદ કણ્ઠે ગાઈ છે. માનવી છે તો જ ઈશ્વરનું ઈશ્વરપણું પ્રકટ થાય છે. સ્વર્ગની રચનામાં રવીન્દ્રનાથે મનુષ્યને સહભાગી ગણ્યો છે. માનવ હોવાનું જે ગૌરવ છે તેનાથી આકર્ષાઈને તો દેવોનેય પૃથ્વી પર આવવાનું આકર્ષણ થાય છે. પૃથ્વી આખી એક કુટુંબ અને દેશ, જાતિ, રાજ્યવ્યવસ્થાથી વિચ્છિન્ન થયા વિનાના અખંડ એક વિશ્વમાનવની એમની કલ્પનાએ ઘણી ભાષાના કવિઓને પ્રભાવિત કર્યા છે. આ માનવીને લાખ જોજન દૂરના તારા સાથે પણ ઘનિષ્ઠ સમ્બન્ધ છે. આવી અખિલાઈની અનુભૂતિ એ રવીન્દ્રકાવ્યનો પ્રધાન રસ છે. રવીન્દ્રનાથનો પ્રભાવ મુખ્યત્વે કાવ્યના ક્ષેત્રમાં વરતાય તે સમજાય તેવું છે. ખ્રિસ્તી ધર્મથી પ્રભાવિત થયેલા કવિ ‘કાન્ત’ને ‘ગીતાંજલિ’માંનો બ્રાહ્મોસમાજી ઈશ્વર રુચ્યો. એમણે ૧૯૧૯માં ગીતાંજલિનો અનુવાદ કર્યો. શાન્તિનિકેતનમાં અધ્યાપન કરી આવેલા નરસંહિભાઈ પટેલે ‘નૈવેદ્ય’નો ભાવવાહી ગદ્યમાં અનુવાદ કર્યો. એ પોતે તો નાસ્તિક હતા, છતાં આ કવિતા એમને સ્પર્શી ગઈ. શાન્તિનિકેતનમાં રહી આવેલા કવિઓ અને ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને રવીન્દ્રસાહિત્યના સંસ્કાર ઝીલનારા કવિઓએ પોતાની કૃતિઓમાં રવીન્દ્રનાથની પ્રકૃતિને માટેની નિબિડ આત્મીયતા અને સૌન્દર્યબોધને આત્મસાત્ કરી લીધાં. રવીન્દ્રનાથના કાવ્યમાંના સાંગીતિક તત્ત્વે પણ કેટલાક કવિઓને આકર્ષ્યા. આ રીતે સ્નેહરશ્મિ, કૃષ્ણલાલ શ્રીધરાણી, રાજેન્દ્ર શાહ, પ્રહલાદ્ પારેખ, નિરંજન ભગત આદિની કવિતામાં રવીન્દ્રનાથે સર્જેલી સાહિત્યિક આબોહવાનો ઓછોવત્તો સ્પર્શ અનુભવાય છે. માનવી હોવાના ગૌરવની બુલંદ ખુમારી અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના ઉમાશંકરમાં દેખાય છે પણ તે કેવળ રવીન્દ્રનાથના પ્રભાવને જ કારણે છે એમ કહી ન શકાય. સુન્દરમ્માં એક બાજુ વાસ્તવની નિર્ભ્રાન્ત અભિજ્ઞતા છે તો બીજી બાજુ સૌન્દર્યને માટેની ઉત્કટ અભીપ્સા પણ છે. આ ધરતીને માટેનો પ્રેમ, પ્રકૃતિની સાથેની આત્મીયતા અને ભૌગોલિક સીમાડાને ઉલ્લંઘી જતી માનવમાત્ર પ્રત્યેની સહાનુભૂતિ એ રવીન્દ્રનાથની પરોક્ષ અસર રૂપે હોઈ શકે. કાવ્ય સિવાયનાં બીજાં સાહિત્યસ્વરૂપો મોટે ભાગે પશ્ચિમની ાસર નીચે વિકસયાં છે. કાવ્યમાં પણ ધૂંધળી ભાવાળુતા કે એકાદ ભાવસ્થિતિના લઘુતરલ આલેખનને સ્થાને સ્ફટિક-કઠિન મૂર્તતા પ્રતીક અને કલ્પનોની મદદથી પ્રકટ થવાની જે પ્રવૃત્તિ છે તે પશ્ચિમની અર્વાચીન કાવ્યધારાના સમ્પર્કને કારણે છે. આ ઉપરાન્ત અવચેતનાને સ્તરે જઈને સંવેદનોને જોવાનો, ત્યાંના અધ્યાસપિણ્ડથી એને પરિપુષ્ટ કરીને વ્યક્ત કરવાની રીતિ પણ રવીન્દ્રભાવથી નિરપેક્ષ રૂપે પ્રવર્તે છે. નવલકથા અને નવલિકાના ક્ષેત્રમાં રવીન્દ્રનાથનો સીધો પ્રભાવ જોઈ શકાતો નથી. બચુભાઈ શુક્લ કે દર્શક જેવા કોઈકની નવલકથાઓમાં કે સ્નેહરશ્મિ, કિશનસંહિ ચાવડા આદિની નવલિકાઓમાં એનો પરોક્ષ પ્રભાવ બતાવી શકાય. નાટકના ક્ષેત્રમાં રવીન્દ્રનાથનું આગવું અર્પણ છે. આમ છતાં રક્તકરબી, ડાકઘર કે મુક્તધારાના સ્વ૩પનાં નાટકો ગૂજરાતીમાં રચાયાં નથી. ન્હાનાલાલે કરેલા નાટકના અખતરાઓની પ્રતિક્રિયારૂપે કદાચ એ પ્રકારની નાટ્યરચના તરફ ગૂજરાતી નાટ્યકારો વળ્યા લાગતા નથી. કૃષ્ણલાલ શ્રીધરાણી શાન્તિનિકેતનના શાલ વૃક્ષને એમના ‘વડલો’નાટકમાં લઈ આવ્યા છે. ‘મોરનાં ઇંડાં’માં પણ રવીન્દ્રનાથની અસર દેખાશે. સંગીતિકાના સ્વ૩પના, સંગીતરૂપકો તરીકે ઓળખાતાં નાટકોનો પ્રકાર ગૂજરાતમાં આવ્યો છે તેમાં રવીન્દ્રનાથનાં એ પ્રકારની રચનાની ચોખ્ખી અસર વરતાય છે. નાટકનાં પરમ્પરાગત ઉપકરણો બને તેટલાં ઓછાં કરીને, કાવ્યત્વમાંથી જ નાટ્યત્વ નિષ્પન્ન કરવાના જે પ્રયોગો રવીન્દ્રનાથે કર્યા છે તે પૈકી ચિત્રાંગદાવિદાય-અભિશાપ, કર્ણકુન્તી વગેરે ખાસ ઉલ્લેખપાત્ર છે. ગૂજરાતીમાં ઉમાશંકરે, કાન્તનાં ખણ્ડકાવ્યોથી જુદી રીતે, આવી રચનાઓ કરી છે. એને પદ્યરૂપક કહીને ઓળખાવવામાં આવી છે. એમાં રવીન્દ્રનાથનો પ્રભાવ હશે કદાચ. રવીન્દ્રનાથ પોતે આ પ્રકારની કૃતિઓને ‘નાટક’ કહીને ઓળખાવવાનો આગ્રહ રાખતા નથી. નાટકમાંના સંઘર્ષને કાવ્યના સ્તર પર લઈ જઈને, અન્ય ઉપકરણોનું વિશેષ આલમ્બન લીધા વિના, રસરૂપે નિષ્પન્ન કરવાનો એમાં પ્રયત્ન છે. ને તખ્તા પર પણ રવીન્દ્રનાથે યોજેલા વિશિષ્ટ સન્નિવેશથી ને ભાષાપ્રયોગથી એ કૃતિઓ સહૃદયી ભાવકની સૂક્ષ્મ રસવૃત્તિને સંતોષી શકી છે તે હકીકત છે. રવીન્દ્રનાથે શિક્ષણના ક્ષેત્રમાં જે અર્પણ કર્યું છે તે પણ ગાંધીજીના અર્પણનું પૂરક નીવડ્યું છે. બાળકની કલ્પનાશક્તિ અને એના નૈસગિર્ક વિકાસની ક્ષમતાને કુણ્ઠિત નહિ કરે એવી રીતે એને શિક્ષણ આપવાની પદ્ધતિ એમણે અખત્યાર કરી, બાળકોનું એમણે ગૌરવ કર્યું, આની અસર ગૂજરાતની દક્ષિણામૂર્તિ જેવી શિક્ષણસંસ્થઓ ઉપર પડી. ત્યાં જ ગૂજરાતનું સમ ખાવા જેવું સારું બાળસાહિત્ય રચાયું તે પણ એક સૂચક ઘટના છે. દરેક ફૂલ પોતાની રીતે સૂર્યનો પ્રકાશ ઝીલીને ફળ રૂપે રંગેસંગે પ્રકટ કરે છે. રવીન્દ્રનાથનો પ્રભાવ એવો સૂક્ષ્મ અને વ્યાપક છે. માટે જ એને આંગળી મૂકીને બતાવવાનું અઘરું થઈ પડે છે.