રવીન્દ્રપર્વ/રવીન્દ્રનાથ - સુરેશ જોષીની આંખે ચિરચંચલના લીલાસહચર


રવીન્દ્રનાથ - સુરેશ જોષીની આંખે ચિરચંચલના લીલાસહચર

સાંજનો વખત છે. એક પછી એક આવ્યે જતા મુલાકાતીઓને ખાળવાનું કામ કવિવરના અન્તેવાસીઓને માટે મુશ્કેલ થઈ પડ્યું છે. પ્રાર્થનાસભામાં જવાનો વખત થઈ ગયો છે. કવિ ઊઠવાની તૈયારી કરે છે ત્યાં કોઈકનો સાદ સંભળાયો: ‘રવિ ઠાકુર અહીં છે કે?’ અન્તેવાસીઓમાંના કોઈકે એ અજાણ્યા મુલાકાતીને બારોબાર વિદાય કરવાનો પ્રયત્ન કર્યો, પણ કવિને કાને એ અવાજ પડ્યો હતો. એટલે એમણે કહ્યું, ‘એમને અહીં આવવા દો.’ કવિ જુએ છે તો એક અન્ધ વૃદ્ધને એક યુવાન વિધવા દોરી લાવે છે. પેલા વૃદ્ધે ફરી પ્રશ્ન પૂછ્યો: ‘રવિ ઠાકુર અહીં છે કે?’ કવિએ કહ્યું, ‘હા, હું અહીં જ છું. આવો.’ વૃદ્ધે હાથથી ફંફોળીને કવિને શોધી કાઢ્યા ને એમના ચરણને સ્પર્શી ભક્તિભાવે પ્રણામ કર્યા. પછી એણે યુવાન વિધવાને કહ્યું, ‘દીકરી, પ્રણામ કર.’ દીકરીએ પણ કવિની ચરણરજ લીધી ને પ્રણામ કર્યા. કવિ આથી ખૂબ મુંઝાઈ ગયા. વૃદ્ધે કહ્યું, ‘બસ, હવે હું તમને નહીં રોકું. મારે આટલું જ કામ હતું.’ કવિને કુતૂહલ થયું. એમણે પૂછ્યું, ‘આપ ક્યાંથી આવો છો?’ વૃદ્ધે જવાબમાં કહ્યું, ‘હું દૂરના એક ગામથી આવું છું. વાત એમ છે કે આજથી છએક મહિના પર મારી આ દીકરી વિધવા થઈ. હું અન્ધ ને લાચાર, હું એને શું આશ્વાસન આપું? એ બેઠી બેઠી ડૂસકે ડૂસકે રડે, એનાં આંસુ સુકાય જ નહીં. એનાં હીબકાં દિવસરાત હું સાંભળ્યા કરું. સાંભળીને મનમાં ને મનમાં સમસમીને બેસી રહું. હું રોજ ભગવાન સાથે ઝઘડું ને પૂછું: ‘આનો ઉપાય શો? આનાં આંસુ શી રીતે લૂછું? ભગવાન કશું કહે નહીં. આખરે એક દિવસ હીબકાં સંભળાતાં બંધ થયાં. મને ચિન્તા થઈ: કશું અનિષ્ટ તો નથી થયું ને? મેં પૂછ્યું, ‘બેટા, ક્યાં છે તું? અહીં આવ જોઉં.’ દીકરી આવીને મારી પાસે બેસી ગઈ. મેં એની આંખ પર હાથ ફેરવ્યો. આંખ ભીની નહોતી. મને અચરજ થયું. મેં પૂછ્યું, ‘બેટા! તારાં આંસુ કોણે લૂછ્યાં?’ છોકરીએ કહ્યું, ‘રવિ ઠાકુરે. હું એમનું નૈવેદ્ય વાંચતી હતી. એ વાચનથી મારી બધીય વેદનાનું વિષ જાણે ચુસાઈ ગયું.’ એ સાંભળીને મારા હૃદય પરનો મોટો ભાર હળવો થઈ ગયો ત્યારે મનમાં ને મનમાં મેં તમને પ્રણામ કર્યાં. મેં દીકરીને કહ્યું, ‘મનેય નૈવેદ્ય વાંચી સંભળાવ.’ એ સાંભળીને મનેય જાણે નવું બળ મળ્યું. ઘણા વખતથી તમને પ્રણામ કરવા આવવાની ઇચ્છા હતી, તે આજે ફળીભૂત થઈ, હું કૃતાર્થ થયો. હું અન્ધ, તમારાં દર્શન તો શું કરું? ચરણસ્પર્શ થયો એટલે બસ.’ વૃદ્ધ ગળગળો થઈ ગયો. દીકરીની આંખ પણ ભીની થઈ ગઈ. કવિ પણ વૃદ્ધના આ ભાવથી અભિભૂત થઈ ગયા. ઉપયોગિતાવાદના જમાનામાં આજે સૌ પૂછે છે: ‘કવિતાનો શો ખપ?’ ઉપલા દૃષ્ટાન્તથી દેખાશે કે કદિક કોઈક કોઈક કવિની કવિતા જીવનમાં નવા બળનો સંચાર કરે છે. જીવનને નવા તેજથી ઝળાંઝળાં કરી મૂકે છે. રવીન્દ્રનાથની કવિતામાં કેવળ વાણીવિલાસ નહોતો. એનામાં જીવનને નવી દૃષ્ટિથી અનુપ્રાણિત કરવાની શક્તિ હતી. રવીન્દ્રનાથની કવિતા વિશે આજકાલ ઘણું સાંભળવા મળે છે. કોઈક કહે છે: ‘એ તો બધું આસમાની ને હવાઈ.’ તો કોઈક કહે છે, ‘એમાં સ્નાયવી જોમ ક્યાં છે? એમાં વિકાસશીલ પૌરુષની છટા ક્યાં છે?’ તો વળી કોઈક કહે છે: ‘એ તો બધું sweet nothings, એનો કશો અર્થ નહીં.’ રવીન્દ્રનાથની કવિતા વાંચવી એ કદાચ જૂનવાણી રુચિનું લક્ષણ પણ ગણાતું હશે. કવિ પોતે પોતાની કૃતિઓની મર્યાદાઓથી અજાણ નહોતા. એમણે અત્યન્ત નિર્મમ બનીને પોતાની કૃતિની આલોચના કરી છે. ‘સાન્ધ્યગીત’થી માંડીને તે ‘માનસી’ સુધીની કવિતાને એમણે પોતે જ એ વિશે કહ્યું છે: ‘મારા લખાણમાં બાહુલ્ય છે ને વર્જનીય અંશો પણ ઠીક ઠીક છે એ વિશે સહદેહ નથી.’ આમ છતાં રવીન્દ્રનાથની કવિતા વિશે એક વસ્તુ નિ:શંકપણે કહી શકાય, ને તે એ કે કવિએ જે કાંઈ લખ્યું છે તેની પાછળ અનુભૂતિની સચ્ચાઈ ને સન્નિષ્ઠા છે. લોકરુચિને આરાધીને સસ્તી ખ્યાતિ રળવાને કે પ્રચલિત કોઈક વાદનું દાસત્વ સ્વીકારીને આદર્શવાદી વાસ્તવવાદી કે પ્રગતિવાદી ગણાવા ખાતર કદિ એમણે કશું લખ્યું નથી. કવિએ અસન્દિગ્ધ શબ્દોમાં કહ્યું છે: ‘સાહિત્યમાં આજ સુધી મને જે આપવા યોગ્ય લાગ્યું તે જ મેં આપ્યું છે. લોકોએ જેની માગણી કરી છે તે જ પૂરું પાડવાની ચેષ્ટા મેં કરી નથી. મેં મારી કૃતિઓને વાચકના મનને ગમે એવે સ્વરૂપે રચીને સભા સમક્ષ રજૂ કરી નથી. સભાનું યથાર્થ સમ્માન પણ એમાં જ રહ્યું છે. આ પ્રકારની પ્રણાલી સ્વીકારનારને બીજું ગમે તે મળે પણ આદિથી તે અન્ત સુધી એ વાહવા પામી શકે નહીં. હું એ પામ્યોય નથી... મારે તો કેવળ એટલું જ કહેવાનું છે કે જે મારું હતું તે જ મેં બીજાને દીધું છે, એથી વિશેષ સહજ સુવિધાના માર્ગનું મેં અવલમ્બન લીધું નથી. ઘણી વાર લોકોને છેતરીને ખુશ કરી શકાય પણ એ ખુશી પોતે જ, થોડા સમય પછી આપણને છેતરે. એ સુલભ ખુશી પ્રત્યે મેં લોભભરી દૃષ્ટિએ જોયું નથી.’ કવિને પક્ષે આવી પ્રામાણિકતાની જ આપણે અપેક્ષા રાખીએ. કવિની અનુભૂતિમાં આવી સચ્ચાઈ છે. તેથી જ એમની વાણીમાં બળ છે, એ આપણા અન્તરતમને સ્પર્શી જાય છે. પ્રાણને પ્રાણથી જ સ્પર્શી શકાય. કવિની કૃતિમાં એમના પ્રાણની મુક્ત લીલા છે. એ સર્વ વિધિનિષેધથી મુક્ત છે. કાવ્યનાં આપણે અનેક પ્રયોજનો ભલે ને ગણાવીએ એનું મુખ્ય પ્રયોજન તો એક જ લાગે છે, ને તે છે ચેતોવિસ્તાર. સર્જક સર્જન કરે ત્યારે પોતાને એ સર્વમાં વિસ્તારી દે, વૈયક્તિક જીવનની સંકીર્ણ અનુભૂતિને બૃહત્તાના સંસ્પર્શથી એ વિસ્તારે છે. ભાવક પણ કળાના પરિશીલનથી પોતાની અનુભૂતિના પરિઘને વિસ્તારે છે. અણુમાત્ર અહમ્ વિભુ બને છે. રવીન્દ્રનાથની કવિતાના સ્તોત્રનો ઉદ્ગમ પણ આ પ્રકારની કોઈક અદમ્ય અનુસન્ધિત્સામાં રહૃાો છે. વિભિન્ન વ્યક્તિની વિવિધ ચેતના એ વૈશ્વિક ચેતનાના તરંગરૂપ જ છે, કવિ પોતાની વૈયક્તિક ચેતનાનું વૈશ્વિક ચેતના સાથે અનુસન્ધાન કરવા ઇચ્છે છે; વર્તમાનને ભૂત અને ભવિષ્ય સાથે સાંધવા ઇચ્છે છે. અનુસન્ધિત્સા કવિની ઘણી કવિતામાં જુદે જુદે રૂપે પ્રકટ થાય છે. અનુસન્ધિત્સા કવિની કૃતિનો પ્રધાન સૂર છે:

એ જ જુગજુગાન્તનું વિરાટ સ્પન્દન મારી આ નાડીમાં આજે કરે છે નર્તન.

સૃષ્ટિની નિત્યપરિવર્તનશીલ લીલામાં એમણે સદા એક ધ્રુવ શાશ્વત તત્ત્વની ઝાંખી કરી છે. ગતિ સ્થિતિ વિના શક્ય નથી. ધ્રુવને કેન્દ્રમાં રાખીને જ ગતિ સમ્ભવે. એક વ્યક્તિની ચેતનામાં યુગયુગાન્તરની સ્મૃતિની ધારા સુપ્તાવસ્થામાં રહી હોય છે. કોઈક અનુભૂતિ એ સ્મૃતિને જગાડે છે ને ત્યારે કશુંક અનિર્વચનીય કવિ સમક્ષ ઉપસ્થિત થઈને કવિને એની સંકીર્ણ સીમામાંથી ઉપાડીને કશાક બૃહત્ની સાથે જોડી દે છે. એ બૃહત્ને માટેની ઝંખના ને વ્યાકુળતા કવિની કવિતામાં દેખાય છે. આથી કવિએ પોતાને ચિરચંચલના લીલાસહચર તરીકે ઓળાવ્યા છે. સીમા અને અસીમ, સાન્ત અને અનન્ત એ દ્વન્દ્વ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી કવિના અનુસન્ધિત્સુ આત્માને જંપ શાનો? પ્રત્યેક ક્ષણે એ સુદૂર ને અસીમ સાથેના મિલનને માટેની સાધના ચાલ્યા કરે છે. એથી જ તો કવિ ગાઈ ઊઠે છે:

આમિ ચિર ચંચલ હે, આમિ સુદૂરેર પિયાસી.

આપણે રવીન્દ્રનાથને ‘ગીતાંજલિ’ના કવિ તરીકે ખાસ કરીને ઓળખીએ છીએ. પણ રવીન્દ્રનાથની કવિતામાં ભગવત્પ્રેમ એ ગૌણ સ્થાને છે. એમના બૃહત્ કાવ્યનદની એ એક ઉપશાખા માત્ર છે. પત્ની, પુત્રી, પુત્ર અને પિતાના મૃત્યુથી કવિ શોક જીરવવાને ભગવાન તરફ વળ્યા. પિતાએ પાડેલ સંસ્કાર ફરીથી જાગ્યા. એ સમય દરમિયાન કવિએ પ્રાચીન ભારતવર્ષની માનસયાત્રા કરી. એને પરિણામે એમણે ભગવત્પ્રેમનાં કાવ્યો રચ્યાં. ‘ગીતાંજલિ’, ‘ગીતિમાલ્ય’, ‘ચૈતાલિ’ તથા ‘નૈવેદ્ય’ના હિરણ્મય પાત્રમાં ભગવદ્ભક્તિનો રસ છલકાઈ ઊઠ્યો છે. કાવ્ય લેખે એમાં ઉચ્ચ કોટિની કવિતા મોટે ભાગે નથી. એનું કારણ એ કે એમાં રવીન્દ્રનાથની પ્રતિભા પોતાનો સ્વધર્મ ભૂલીને બીજે ફંટાઈ ગઈ હતી. માટે જ ‘ખેયા’માં એ ભગવત્ભક્તિની કવિતાનું ઝરણું ધીમે ધીમે લુપ્ત થતું જાય છે. ‘ક્ષણિકા’માં કવિ ફરી માનવોની આ ધરણીની પાસે આવી પહોંચે છે: એમની કવિતાની સિદ્ધિનું સૌથી ઊંચું શિખર કદાચ ‘બલાકા’માં છે. એ કાવ્યના રચનાકાળ પૂર્વે કવિ પશ્ચિમની યાત્રા કરીને આવ્યા. ભારતવર્ષની સંસ્કૃતિના સ્થિર જળને પશ્ચિમની સંસ્કૃતિનો ઉચ્છલ સ્રોત ચંચળ કરી ગયો. બંનેના સંઘાતને કારણે ચંચલ તરંગો ઉત્પન્ન થયા. નિસ્તબ્ધ મૌનનો ચંચલતાની અપ્સરાએ તપોભંગ કર્યો. ‘બલાકા’ નિસ્તબ્ધ મૌન પરના ચંચલતાના વિજયનું કાવ્ય છે. કવિની પ્રતિભા મુખ્યત્વે માનવમુખી છે. કવિ શોધમાં નીકળ્યા માનવની, પણ ‘ગીતાંજલિ’પર્વમાં પામ્યા ભગવાનને, પણ ભગવાન એકલોઅટૂલો, માનવથી રહિત. પશ્ચિમમાં જઈને એમણે માનવોનો મહાસમુદ્ર જોયો ને ‘બલાકા’માં કવિનું ચિત્ત પુકારી ઊઠ્યું.

હેથા નય, હેથા નય, અન્ય કોનો...’

ભગવત્ભક્તિ આગળ અટકી નહીં પડાય, માનવસમાજ એક બાજુએ રહી ગયો, એ મહા સ્રોતની પીઠ શી રીતે કરી શકાય? માટે જ કવિની કવિતાએ બીજો વળાંક લીધો, દરેક વળાંકે વળાંકે કવિની કાવ્યસ્રોતસ્વિની નવી નવી છટા પ્રકટાવતી જ ગઈ છે. સાઠસિત્તેરની વયે એમણે ‘મહુયા’ અને ‘પૂરવી’નાં કાવ્યો લખ્યાં. જીવનના ઉપસંહાર વેળાએ એમણે ‘પુનશ્ચ’, ‘લિપિકા’, ‘ગલ્પસલ્પ’ લખ્યાં. એમની પ્રતિભાનો અજસ્ર વૈભવ વાર્ધક્ડન્નથી પણ વારી શકાય એવો નહોતો. આજના વાસ્તવવાદના — ને તેય અતિરેકી વાસ્તવવાદના જમાનામાં રવીન્દ્રનાથની કવિતા આસમાની લાગે. જીવાતા જીવનના ધબકારા સાથે કદાચ એનો તાલ નહીં મળતો લાગે તો આપણે અસહિષ્ણુ બનીને એ કવિતાને ઉવેખીએ નહીં એ જ ઠીક. જે લોકો રવીન્દ્રનાથને ઋષિ અને સન્ત કહે છે તેઓ રવીન્દ્રનાથને સાચી રીતે ઓળખતા નથી. એમની કાવ્યવીણાને અનેક તાર હતા, એમાંનો એક તાર તે આ ભક્તિનો તાર; પણ સન્તોએ સંસારી રસની કવિતા ગાઈ નથી. રવીન્દ્રનાથે પ્રણયકવિતા પણ ઊંચી કોટિની લખી છે. વળી એમાં વૈરાગ્યનો સૂર નથી. આપણે ત્યાં સાધનાની મુખ્ય બે પ્રણાલી છે: એકમાં નિરાકાર ચૈતન્યસ્વરૂપ બ્રહ્મની સાધના છે, તો બીજામાં રૂપરસની નિબિડ ઉપલબ્ધિ દ્વારા અતીન્દ્રિય બ્રહ્મસ્વરૂપની લીલાને પ્રત્યક્ષ કરવાની સાધના છે. પહેલી શુષ્ક છે, બીજી ભક્તિમદથી વિહ્વળ છે. એ બંનેનો સમન્વય તત્ત્વમાં નહીં પણ જીવનમાં થવો જોઈએ; એ સમન્વય રવીન્દ્રનાથની કવિતામાં જોવામાં આવે છે. યુધિષ્ઠિરના રથની જેમ રવીન્દ્રનાથની કવિતાનો રથ પૃથ્વીથી બે આંગળ અધ્ધર જ રહેતો હતો એમ આપણે કહીએ છીએ, પણ વેદના પુરુષસૂક્તનો સર્જક પણ દશાંગુલ ઊર્ધ્વ હતો એવું જ વર્ણન આપે છે ને! રવીન્દ્રનાથ શોધવા નીકળ્યા માનવીને, મળ્યા ભગવાન, ત્યાંથી ફરી આગળ ચાલ્યા. આખરે એમણે માનવભાવને પ્રકૃતિમાં માણ્યા. માનવનું, કવિનું ને ભગવાનનું મિલન આખરે પ્રકૃતિમાં થયું. પ્રકૃતિનો પ્રેમ ઘાતસંઘાતવાળો નહીં, આથી કવિને એ જ વધુ અનુકૂળ થઈ પડ્યો; પ્રકૃતિનો લીલારસ એમણે માણ્યો; એવો જ લીલારસ બાળકની ક્રીડામાં એમણે માણ્યો. માટે જીવનની ઉત્તરાવસ્થામાં એમણે ‘વનવાણી’ ને ‘શિશુભોળાનાથ’ લખ્યાં. કવિની અનેક શાખાવાળી પ્રતિભાનું મયૂરનૃત્ય સહૃદયી ભાવકને ધન્ય કરી દે એવું છે. આ તો એના એક અંશનું પણ દર્શન જ થયું. કવિએ પોતે કહ્યું છે તેમ કવિ એમની કીતિર્થીય મહાન છે. નવવિધાન: ૯/૨૩-૮-૧૯૫૩