રવીન્દ્રપર્વ/૧૩૩. ગાબ તોમાર સુરે
૧૩૩. ગાબ તોમાર સુરે
તમારા સૂરે ગાઉં એવી વીણા મને આપો. તમારી જ વાણી સાંભળું એવો અમર મન્ત્ર મને આપો. તમારી સેવા કરું એવી પરમ શક્તિ મને આપો, તમારું મુખ જોઈ રહું એવી અચળ ભક્તિ મને આપો. તમારો આઘાત સહી શકું એવું વિપુલ ધૈર્ય મને આપો. તમારો ધ્વજ ઉપાડું એવી અટલ સ્થિરતા મને આપો. હું સકળ વિશ્વને સ્વીકારી શકું એવા પ્રબળ પ્રાણ મને આપો. હું મને અકંચિન કરી નાખું એવા પ્રેમનું દાન મને કરો. તમારી સાથે હું ચાલી નીકળું એ માટે તમારો જમણો હાથ મને આપો, તમારા યુદ્ધમાં લડી શકું એવું તમારું અસ્ત્ર મને આપો. તમારા સત્યમાં જાગું એવું જ આહ્વાન મને આપો, સુખનું દાસત્વ છોડી દઈ શકું એવું કલ્યાણ મને આપો. (ગીત-પંચશતી)