રવીન્દ્રપર્વ/૧૪૫. નીડ અને આકાશ
૧૪૫. નીડ અને આકાશ
એકાધારે તમે જ આકાશ, તમે નીડ.
હે સુન્દર, નીડે તમ પ્રેમ સુનિબિડ
પ્રતિક્ષણે નાના વર્ણે નાના ગન્ધે ગીતે
મુગ્ધ પ્રાણ કરે છે વેષ્ટન ચહુદિશે.
ઉષા ત્યાં દક્ષિણ હસ્તે ગ્રહી સ્વર્ણથાળ
લઈ આવે નિત્ય એક માધુર્યની માળ;
નીરવે પ્હેરાવી દેવા ધરાને લલાટે.
સન્ધ્યા આવે નમ્ર મુખે ધેનુશૂન્ય ક્ષેત્રે
ચિહ્નહીન પથ પરે લઈ સ્વર્ણઝારી
પશ્ચિમ સમુદ્રથકી ભરી શાન્તિવારિ.
તમે છો જ્યાં અમારા આ આત્માનું આકાશ,
અપાર સંસારક્ષેત્ર, છે ત્યાં શુભ્ર ભાસ,
દિન નહીં, નહીં રાત્રિ, નહીં જનપ્રાણી
વર્ણ નહીં, ગન્ધ નહીં, નહીં નહીં વાણી.