રવીન્દ્રપર્વ/૧૪૭. સઘન શસ્પિત તટ

૧૪૭. સઘન શસ્પિત તટ

સઘન શસ્પિત તટ પામે સંગી રૂપે
તરંગિણી
તપસ્વિની એ તો, એના ગમ્ભીર પ્રવાહે
સમુદ્રવન્દનાસ્તોત્ર ગાયે.
લૂછી નાખે નીલામ્બર બાષ્પસિક્ત ચક્ષુ,
બન્ધમુક્ત નિર્મલ પ્રકાશ.
વનલક્ષ્મી શુભવ્રતા
શુભ્રના ચરણે જ્યારે ધરે એની અમ્લાન શુભ્રતા
આકાશે આકાશે
શેફાલિ માલતી કુન્દે કાશે.
અપ્રગલ્ભા ધરિત્રીય પ્રણામે લુણ્ઠિત,
પૂજારિણી નિરવગુણ્ઠિત,
પ્રકાશના આશીર્વાદે, શિશિરનાં સ્નાને
દાહહીનશાન્તિ એના પ્ર્ર્ર્ર્ર્રાણે.
દિગન્તને પથે થઈ
શૂન્યે મીટ માંડી
રિક્તવિત્ત શુભ્ર મેઘ સંન્યાસી ઉદાસી
ગૌરીશંકરના તીર્થે ચાલ્યા જાય યાત્રી.
એ જ સ્નિગ્ધ ક્ષણે, એ જ સ્વચ્છ સૂર્યકરે.
પૂર્ણતાએ ગમ્ભીર અમ્બરે
મુક્તિતણી શાન્તિ માંહે
દર્શન પામીશું તેના જેને ચિત્ત ચાહે,
ચક્ષુ ના પિછાને.
(મહુયા)