રવીન્દ્રપર્વ/૧૫૭. આકસ્મિક મિલન

૧૫૭. આકસ્મિક મિલન

રેલગાડીના ડબ્બામાં મેં એને એકાએક દીઠી,
ધાર્યું નહોતું કે એવું બનશે કદી.

આ પહેલાં એને ઘણી વાર જોઈ છે
લાલ રંગની સાડીમાં
દાડમના ફૂલના જેવી રંગીન;
આજે એણે પહેરી છે કાળી રેશમી સાડી,
છેડો ખેંચી લીધો છે માથા પર
સોનચંપાના જેવા સ્નિગ્ધ ગૌર મુખને ઘેરીને.
મનમાં થયું: કાળા રંગે એણે ગભીર દૂરત્વ
ઘનીભૂત કર્યું છે પોતાની ચારે બાજુ,
જે દૂરત્વ સરસવના ખેતરની શેષ સીમાએ,
શાલવનના નીલાંજને.
થંભી ગયું મારું સમસ્ત મન;
પરિચિત વ્યક્તિને જોઈ અપરિચિતતાના ગાંભીર્યે.

એકાએક છાપું ફેંકી દઈને
મને કર્યા નમસ્કાર.
સમાજવિધિનો રસ્તો ખૂલી ગયો,
વાતચીત કરી શરૂ, —
‘કેમ છો? કેમ ચાલે છે સંસાર?’
ઇત્યાદિ.
એ જોતી રહી બારીની બહાર
જાણે પાસેના દિવસના સ્પર્શથી બચવા ઇચ્છતી દૃષ્ટિએ.
સાવ ટૂંકા એક બે જવાબ આપ્યા,
કોઈકના તો આપ્યા સુધ્ધાં નહીં.
સમજાવી દીધું હાથની અસ્થિરતાએ —
‘શાને આ બધી વાત?
એથી તો ચૂપ રહું હજાર દરજજે સારું!’
હું હતો બીજી પાટલી પર,
એના સાથીઓ સાથે.
એક વાર આંગળીને ઇશારે પાસે આવવાનું કહ્યું.

મનમાં થયું: આ કાંઈ જેવું તેવું સાહસ નહીં.
એની સાથે એક પાટલી પર બેઠો.
ગાડીના અવાજની ઓથ લઈને
બોલી: મૃદુ સ્વરે
‘કશું મનમાં આણશો નહીં,
સમય નષ્ટ કરવાનોય ક્યાં છે સમય!
મારે ઊતરવું પડશે બીજે જ સ્ટેશને;
દૂરે જશો તમે,
દર્શન થશે નહીં ફરી કોઈ દિવસ.
તેથી જે પ્રશ્નનો જવાબ આજ સુધી થંભ્યો છે,
તે સાંભળીશ તમારે મુખે.
સાચેસાચું કહેશો ને?’
મેં કહ્યું: ‘કહીશ.’
બહારના આકાશ ભણી જોઈને જ પૂછ્યું:
‘આપણા જે દિવસો ગયા
તે શું સદાને માટે ગયા?
કશું જ બચ્યું નથી?’

સહેજ ચૂપ રહી ગયો;
ત્યાર પછી બોલ્યો:
‘રાતના બધા જ તારા રહ્યા હોય છે
દિવસના પ્રકાશને તળિયે.’
ખટકો લાગ્યો, કોણ જાણે બનાવીને બોલી બેઠો કે શું?
એ બોલી: ‘જવા દો, હવે પણે જતા રહો.’
બધાં જ બીજે સ્ટેશને ઊતરી ગયાં;
હું આગળ વધ્યો એકલો.
(શ્યામલી)

ક્ષિતિજ : એપ્રિલ, ૧૯૬૧