રવીન્દ્રપર્વ/૧૫૮. વૈશાખ

૧૫૮. વૈશાખ

વૈશાખનો પચીસમો દિવસ જઈ રહ્યો છે,
જન્મદિવસની ધારાને એ વહાવી લઈ જાય છે
મૃત્યુદિનની દિશામાં.
એના ચલિષ્ણુ આસનની ઉપર બેસીને
કોઈ કારીગર ગૂંથે છે
નાની નાની જન્મમૃત્યુની સીમાઓમાં
અનેક રવીન્દ્રનાથોની એક માળા.

રથે ચઢીને દોડ્યો જાય છે કાળ —
પદાતિક પથિક ચાલતાં ચાલતાં
પાત્ર ધરે છે,
પામે છે કશુંક પીવા જોગું;
પીવાનું પૂરું થતાં
પાછળ રહી જાય છે અન્ધકારમાં;
ચક્રની તળિયે
ભાંગેલું પાત્ર ધૂળમાં ભળી જાય છે.
એની પાછળ પાછળ
નવું પાત્ર લઈને જે દોડે છે
તે પામે છે નૂતન રસ,
એક જ એનું નામ
છતાં એ જાણે કોઈ બીજી જ વ્યક્તિ.

એક દિવસ હું હતો બાળક.
કેટલાય જન્મદિવસનાં બીબાંમાં
એ માણસની મૂર્તિ ઢળાઈ હતી
તેને તમે કોઈ જાણતા નથી.
એ સત્ય જેમની જાણમાં હતું
એ પૈકીનું કોઈ નથી હવે.
એ શિશુ નથી હવે પોતાને સ્વરૂપે,
નથી હવે કોઈની સ્મૃતિમાં.
એ ચાલ્યો ગયો છે એનો નાનો સંસાર સમેટીને;
એનાં તે સમયનાં હાસ્યક્રન્દનનો
પ્રતિધ્વનિ હવે સંભળાતો નથી કોઈ હવામાં.
એનાં ભાંગેલાં રમકડાના ટુકડા સુધ્ધાં
દેખાતા નથી ધૂળમાં.

એ સમયે જીવનના નાના ગવાક્ષની પાસે
એ બેસી રહેતો બહાર મીટ માંડીને.
એનું વિશ્વ હતું
એટલા શા અવકાશના વેષ્ટનમાં.
એની અબૂઝ આંખનું એ મીટ માંડીને જોવું
ઉલ્લંઘી જતું બાગની દીવાલને
હારબંધ ઊભેલી નારિયેળીને.

સાંજ વેળા થઈ ઊઠતી પરીકથાના રસે નિબિડ;
વિશ્વાસ-અવિશ્વાસની વચ્ચે
વાડ નહોતી બહુ ઊંચી,
મન આ બાજુથી પેલી બાજુ
ઠેકી જતું અનાયાસે
પ્રદોષનાં તેજ-છાયામાં
વસ્તુ સાથે જડાઈ રહેતી એની છાયા,
બન્ને હતાં એક જ ગોત્રનાં.

કેટલાય દિવસો પહેલાંના એ જન્મદિન
એક દ્વીપ,
થોડો વખત હતો પ્રકાશમાં,
કાલ સમુદ્રને તળિયે ડૂબી ગયો છે.
ઓટને વખતે કદિક કદિક
દેખાય છે એના પહાડનાં શિખર,
દેખાય છે એના પ્રવાલની રક્તિમ તટરેખા.
વૈશાખના પચ્ચીસમા દિવસે ત્યાર પછી દેખા દીધી
બીજા એક કાલાન્તરે
ફાગણની સવારે
રંગીન આભાની અસ્પષ્ટતામાં
તરુણ યૌવનના બાઉલે
સૂર સાધી લીધો પોતાના એકતારાએ,
હાંક દેતો ફર્યો
નિરુદ્દેશ મનના માણસને
અનિર્દેંશ્ય વેદનાના પાગલ સૂરે.
એ સાંભળીને કોઈ કોઈ વાર
વૈકુણ્ઠમાં લક્ષ્મીનું આસન હાલી ઊઠ્યું હતું,
એણે મોકલી હતી
એની કોઈ દૂતીને
પલાશવનના રંગમત્ત છાયાપથે
કામકાજ ભુલાવી દેનારાં સવાર સાંજે.
ત્યારે કાને કાને મૃદુ કણ્ઠે એમની વાત સાંભળી છે:
થોડુંક સમજ્યો છું, થોડુંક નથી સમજ્યો.
જોયો છે કાળી આંખની પક્ષ્મરેખામાં
અશ્રુનો આભાસ;
જોઈ છે કમ્પિત અધરે નિમીલિત વાણીની
વેદના;
સાંભળ્યો છે ક્વચિત કંકણે
ચંચલ આગ્રહનો ચકિત ઝંકાર.

એઓ મૂકી ગયા છે મારાથી અજાણતાં
વૈશાખના પચ્ચીસમા દિવસના
પ્રથમ ઊંઘઊડ્યા પ્રભાતે
નવા ખીલેલા મોગરાનાં ફૂલોની માળા;
પ્રભાતનું સ્વપ્ન એની ગન્ધે હતું વિહ્વળ.

એ સમયના જન્મદિવસનું કિશોર જગત્
હતું પરીકથાની શેરીની અડોઅડ,
જાણ્યા ન-જાણ્યાના સંશયે.
ત્યાં રાજકન્યા પોતાના વિખરાયેલા કેશના આવરણે
કોઈક વાર ઊંઘી જતી,
કોઈક વાર સફાળી જાગી ઊઠતી
સોનાની લાકડીનો સ્પર્શ થતાં.

દિવસો વીત્યા.
એ વસન્તીરંગના વૈશાખના પચ્ચીસમા દિવસે
રંગેલી દીવાલ
ભાંગી પડી.

જે પથે બકુલવનનાં પાંદડાંનાં હિલ્લોળે
છાયા કંપવા લાગતી,
હવામાં જાગી ઊઠતો મર્મર,
વિરહી કોકિલના
કુહુરવની વિનંતીએ
આતુર થઈ ઊઠતો મધ્યાહ્ન.
મધમાખીની પાંખે જાગતું ગુંજન
ફૂલગન્ધના અદૃશ્ય ઇશારાથી,
એ તૃણ બિછાવેલી વીથિકા
આવી પહોંચી પથ્થર જડ્યા રાજમાર્ગે.
 
એ સમયના કિશોરે
સૂર સાધ્યો હતો જે એકતારાએ
એક પછી એક ચઢાવી દીધા
તેના પર નવા નવા તાર.
તે વખતે વૈશાખનો પચ્ચીસમો દિવસ
મને બોલાવી લાવ્યો
સખ્યના માર્ગે થઈને
તરંગમન્દ્રિત જનસમુદ્રતીરે.
વેળા-અવેળાએ
ધ્વનિ સાથે ધ્વનિ ગૂંથીને
જાળ નાખી હતી મધદરિયે;
એમાં કોઈકનું મન પકડાયું હતું;
તો છિન્ન જાળમાંથી
કોઈક વળી નાસીય છૂટ્યું હતું.

કોઈક વાર દિવસ આવતો મ્લાન થઈને,
સાધનામાં આવતું નૈરાશ્ય,
ગ્લાનિભારે નત થઈ જતું મન.
એવે સમયે અવસાદના અપરાહ્ને
અણધાર્યા માર્ગેથી આવી ચઢતી
અમરાવતીની મર્ત્ય પ્રતિમા;
સેવાને એઓ સુન્દર કરે,
તપ:ક્લાન્તને માટે એઓ
આણે સુધાનું પાત્ર;

ભયને એઓ અપમાનિત કરે
ઉલ્લોલ હાસ્યના ક્લોચ્છ્વાસે;
એઓ જગાડી દે દુ:સાહસની શિખા
ભસ્મે ઢાંક્યા અંગારમાંથી;
એઓ આકાશવાણીને બોલાવી લાવે
પ્રકાશની તપસ્યાએ.
એઓ મારા હોલવાઈ જવા આવેલા દીપે
પ્રકટાવી ગયાં છે જ્યોત,
શિથિલ થવા આવેલા તારે
બાંધી ગયાં છે સૂર,
વૈશાખના પચ્ચીસમા દિવસને
વરમાળા પહેરાવી ગયાં છે
પોતાને હાથે ગૂંથીને.
એમના પારસમણિનો સ્પર્શ
આજેય રહ્યો છે
મારાં ગીતે, મારી વાણીમાં.

એ સમયે જીવનના રણક્ષેત્રે
દિશાએ દિશાએ જાગી ઊઠ્યો હતો
સંગ્રામનો સંઘાત
ઘર ઘર મેઘમન્દ્રે,
એકતારો ફેંકી દઈને
ક્યારેક ભેરી લેવી પડી હાથે.
પ્રખર મધ્યાહ્નના તાપે
દોડી જવું પડ્યું
જય-પરાજયનાં આવર્તનોમાં થઈને

પગ વીંધાયા છે કાંટાથી
ક્ષત વક્ષેથી ઝરી ગઈ છે રક્તધારા.
નિર્મળ કઠોરતાના ઊછળતા લોઢ
પછડાયા છે મારી નૌકાની ડાબીજમણી બાજુએ —
જીવનનું પુણ્ય ડુબાડી દેવા ચાહ્યું છે
નિન્દાને તળિયે, કાદવમાં.
વિદ્વેષે અનુરાગે,
ઈર્ષાએ મૈત્રીએ,
સંગીતે પરુષ-કોલાહલે
આલોડિત તપ્ત બાષ્પનિ:શ્વાસમાં થઈને
મારું જગત ફરતું રહ્યું છે એના કક્ષપથે.
એ દુર્ગમે, એ વિરોધ-સંક્ષોભ વચ્ચે
વૈશાખના પચ્ચીસમા દિવસના પ્રૌઢ પ્રહરે
તમે આવ્યા છો મારી પાસે.

જાણો છો કે —
મારી અભિવ્યક્તિમાં
ઘણુંય રહ્યું છે અસમાપ્ત,
ઘણુંય છે છિન્નવિચ્છિન્ન,
ઘણુંય ઉપેક્ષિત.
અન્તરે બહાર
એ સારું નરસું
સ્પષ્ટ અસ્પષ્ટ,
ખ્યાત અખ્યાત,
વ્યર્થ ચરિતાર્થના જટિલ સંમિશ્રણમાં થઈને
મારી જે મૂર્તિ
તમારી શ્રદ્ધાએ, તમારા પ્રેમે
તમારી ક્ષમાએ
આજે પ્રતિફલિત —
આજે જેની આગળ તમે લાવ્યા છો માળા —
તેને જ મારા વૈશાખના પચ્ચીસમા દિવસે
શેષ વેળાનો પરિચય ગણીને
સ્વીકારી લઉં છું,
અને રાખી જાઉં છું તમારે માટે
મારા આશીર્વાદ.

જવાની વેળાએ આ માનસી મૂર્તિ
રહી તમારે ચિત્તે
કાળના હાથમાં રહી છે કહીને
કરવો નથી અહંકાર.

હવે મને રજા આપો
જીવનના કાળાધોળા સૂત્રે ગૂંથ્યા
સકળ પરિચયના અન્તરાલે
નિર્જન નામહીન નિભૃતે,
અનેક સૂરની, અનેક તારની વીણાએ
સૂર મેળવી લેવા દો
એક ચરમ સંગીતની ગભીરતાએ.
ક્ષિતિજ : મે ૧૯૬૧