રવીન્દ્રપર્વ/૧૬૦. મારી કૃતિઓ

૧૬૦. મારી કૃતિઓ

કેવળ એક વાત આજે હું મારા તરફથી કહીશ, ને તે એ કે સાહિત્યમાં આજ સુધી મને જે આપવા યોગ્ય લાગ્યું છે તે જ મેં આપ્યું છે. લોકોએ જેની માગણી કરી છે તે જ પૂરું પાડવાની ચેષ્ટા મેં કરી નથી. મેં મારી કૃતિઓને વાચકના મનને ગમે એવે સ્વરૂપે રચીને જ સભા સમક્ષ રજૂ કરી નથી. સભાનું યથાર્થ સમ્માન પણ એમાં જ રહ્યું છે. આ પ્રકારની પ્રણાલી સ્વીકારનારને બીજું ગમે તે મળે, પણ આદિથી તે અન્ત સુધી એ વાહવા પામી શકે નહીં. હું એ પામ્યોય નથી. મારા યશના ભોજનથાળમાં આજે સમાપનની વેળાએ જે મધુર આવી મળ્યું છે તેનું આયોજન પહેલેથી જ હતું એમ કહેવાય નહીં. જે છન્દે, જે ભાષાએ એક દિવસ કાવ્યરચનાનો આરમ્ભ કર્યો હતો તે તે દિવસોમાં આદર પામી નહોતી અને આજેય એ આદરને યોગ્ય છે એવું હું કહેવા ઇચ્છતો નથી. મારે તો કેવળ એટલું જ કહેવાનું છે કે જે મારું હતું તે જ મેં બીજાને દીધું છે, એથી વિશેષ સહજ સુવિધાના માર્ગનું અવલમ્બન મેં લીધું નથી. ઘણી વાર લોકોને છેતરીને ખુશ કરી શકાય પણ એ ખુશી પોતે જ થોડા સમય પછી આપણને છેતરે. એ સુલભ ખુશી પ્રત્યે મેં લોભભરી દૃષ્ટિએ જોયું નથી. વળી, મારી કૃતિઓમાં અપ્રિય વાક્યો પણ મેં ઘણાં કહ્યાં છે, ને અપ્રિય વાક્યોનું જે નગદ વળતર તેય મારી પીઠ પર લાદીને મારે સ્વીકારી લેવું પડ્યું છે. પોતાની શક્તિથી જ માણસ પોતાની સાચી ઉન્નતિ કરી શકે, માગીતાગીને કદી પણ સ્થાયી કલ્યાણ સાધી શકે નહીં. આટલી સાવ પુરાણી વાત પણ દુસ્સહ ગાળ ખાધા વિના કહી શકવાનો સુયોગ મને મળ્યો નથી. આવું તો ફરી ફરીને ઘણીય વાર બન્યું છે, પણ જેને મેં સત્ય ગણીને સ્વીકાર્યું તેને હાટમાં વેચીને લોકપ્રિય થવાનો પ્રયત્ન મેં કર્યો નથી.