રવીન્દ્રપર્વ/૧૬૬. વિરહ

૧૬૬. વિરહ

તમે જ્યારે ચાલ્યા ગયા ત્યારે બપોર હતી — સૂર્ય ત્યારે મધ્ય આકાશમાં હતો, તાપ આકરો હતો. ગૃહકાર્ય આટોપીને ત્યારે ઓરડામાં હું એકલી હતી, બારી આગળ પોતાના મનમાં રત બનીને બેઠી હતી. તમે જ્યારે ચાલ્યા ગયા ત્યારે બપોર હતી. ચૈત્ર મહિનાનાં અનેક ખેતરોમાંથી અનેક પ્રકારની સુવાસ લઈને ગરમ હવા ખુલ્લા બારણામાં થઈને આવતી હતી. બે કબૂતર આખો દિવસ, જરાય જંપ્યા વિના, બોલ્યા કરતાં હતાં. એક ભમરો ચૈત્ર મહિનાનાં અનેક ખેતરોના અનેક સમાચાર લઈને, બસ ગણગણ કરતો ફર્યા કરતો હતો. ત્યારે રસ્તે કોઈ માણસ ન હતું. ગામ થાક્યુંપાક્યું હતું. સરુ વૃક્ષની શાખા પરથી એકસરખો અવાજ આવ્યા કરતો હતો. મેં સૂના હૈયે બહુ દૂર દૂરની બંસરીના સૂરમાં આકાશ ભરીને કોઈ એકનું નામ ગૂંથ્યું હતું. ત્યારે રસ્તે કોઈ માણસ ન હતું. ગામ થાક્યુંપાક્યું હતું. ઘરે ઘરે બારણાં વાસેલાં હતાં, હું જાગતી હતી — મારા છુટ્ટા વાળ ઉદાસ પવનથી ઊડતા હતા. કાંઠાનાં ઝાડની છાયા નીચે નદીનાં જળમાં તરંગ નહોતા; બળબળતું આકાશ સફેદ અલસ વાદળાંમાં લાંબું થઈને પડ્યું હતું. ઘરે ઘરે બારણાં વાસેલાં હતાં, હું જાગતી હતી. તમે જ્યારે ચાલ્યા ગયા ત્યારે બપોર હતી, શુષ્ક માર્ગે ને બળબળતા મેદાનમાં તાપ આકરો હતો. ગાઢી છાયાવાળા વડની ડાળે માત્ર બે કબૂતરો બોલતાં હતાં. હું એકલી બારીએ બેઠી હતી, મારું શયનઘર સૂનું હતું. તમે જ્યારે ચાલ્યા ગયા ત્યારે બપોર હતી. (ક્ષણિકા)
(એકોત્તરશતી)