રવીન્દ્રપર્વ/૧૬. કાલે હાસ્યે પરિહાસ્યે

૧૬. કાલે હાસ્યે પરિહાસ્યે

કાલે હાસ્યે પરિહાસે ગાને આલોચને
અર્ધરાત્રિ વીતી ગઈ સ્નેહી મિત્ર સાથે;
આનન્દની નિદ્રાહીણી શ્રાન્તિ લઈ અંગે
પાછો ફરી આવ્યો જ્યારે નિભૃત આલયે
અહધકારે ઘેર્યાં આંગણિયે, શીત વાએ
ફેરવ્યો સ્નેહથી હાથ તપ્ત ક્લાન્ત ગાત્રે
ઘડીમાં ચંચલ રક્તે સ્થાપી દીધી શાન્તિ.
ઘડીકમાં મૂક ને નિ:સ્તબ્ધ થયું ઉર
નિર્વાણપ્રદીપ રિક્ત નાટ્યશાલા સમ.
જોયું પછી આકાશની ભણી; ચિત્ત મમ
નિમેષમાં વટાવીને અસીમ રજની
ઊભું જે નક્ષત્રલોકે.
ને મેં જોયું ત્યારે —
ખેલી રહૃાા હતા અમે અકુણ્ઠિત મને
તવ સ્તબ્ધ પ્રાસાદને અનન્ત પ્રાંગણે.

(નૈવેદ્ય)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪