રવીન્દ્રપર્વ/૧૯. મહારાજ ક્ષણેકેય દર્શન

૧૯. મહારાજ ક્ષણેકેય દર્શન

મહારાજ ક્ષણેકેય દર્શન ના દેશો
તમારાં એકાન્ત ધામે? બોલાવી લો હવે
સમસ્ત પ્રકાશથકી તમારા પ્રકાશે
મને એકાકીને — સર્વ સુખદુ:ખ થકી,
સર્વ સંગ થકી, સમસ્ત આ વસુધાના
બન્ધકર્મ થકી, દેવ, મન્દિરે તમારે
પ્રવેશ્યો છું પૃથિવીના સર્વ યાત્રી સાથે,
દ્વાર ખૂલ્યાં હતાં જ્યારે આરતીની ક્ષણે.
દીપાવલિ બુઝાવીને ચાલ્યા જશે જ્યારે
જુદે જુદે પથે તવ પૂજકો બધાય,
દ્વાર બંધ થશે જ્યારે — શાન્ત અન્ધકાર
નમાવશે શિર મારું તવ પાદપદ્મે.

પ્રકટાવી જીવનનો એક જ પ્રદીપ
ભૂલી વિશ્વ કેવળ હું તમને જોઈશ.
(નૈવેદ્ય)
વાણી આષાઢ-શ્રાવણ ૨૦૦૪