રવીન્દ્રપર્વ/૨૦૦. હું કવિ છું


૨૦૦. હું કવિ છું

પોતાનો સાચો પરિચય પામવો એ સહજ નથી. જીવનની અનેકવિધ અભિજ્ઞતામાં અનુસ્યૂત થઈને રહેલું જે મૂલ ઐક્યસૂત્ર તે સહેલાઈથી હાથમાં આવતું નથી. વિધાતાએ જો મારું આયુષ્ય દીર્ઘ ન કર્યું હોત અને સિદૃોરમા વર્ષને પહોંચવાનો સુયોગ ન દીધો હોત તો મારા સમ્બન્ધે સ્પષ્ટ ખ્યાલ પામવાનું પણ ન બની શક્યું હોત. અનેક રીતે મેં મને જોયો છે. અનેક કાર્યે પ્રવતિર્ત થયો છું. તેથી વારે વારે મારે વિશેનું જ્ઞાન વિક્ષિપ્ત બની ગયું છે. જીવનના એ દીર્ઘ ચક્રપથની પ્રદક્ષિણા કરતાં કરતાં આજે વિદાયની વેળાએ એ ચક્રને જ્યારે સમગ્ર રીતે જોઈ શકું છું ત્યારે એક વાત મને સમજાય છે કે મારા પરિચયમાં હું કવિ છું એ સિવાય બીજું કશું કહેવાનું નથી. મારું ચિત્ત અનેક કર્મ નિમિત્તે ઘણાને ગોચર થયું છે, પણ એમાં મારો સમગ્ર પરિચય નથી. હું તત્ત્વજ્ઞાની, શાસ્ત્રજ્ઞાની, ગુરુ કે નેતા નથી — એક દિવસ મેં કહ્યું હતું, ‘ચાહું ન થાવા આ નવ બંગે નવ યુગનો ચાલક!’ એ મેં સાચું જ કહ્યું હતું. જેઓ શુભ્ર નિરંજનના દૂત છે તેઓ પૃથ્વીનું પાપક્ષાલન કરે, મનુષ્યને નિર્મલ નિરામય કલ્યાણવ્રતે પ્રવતિર્ત કરે. એઓ મારે મન પૂજ્ય છે. એમના આસનની પાસે મારું આસન માંડ્યું નથી. પણ એ જ શુભ્ર જ્યોતિ જ્યારે પોતાનામાં અન્તહિર્ત અનેક વર્ણને પ્રકાશકિરણે વિચ્છુરિત કરે ત્યારે એ વિશ્વને રંગીન કરી મૂકે છે. હું તો છું એ બહુવર્ણ જ્યોતિનો દૂત. અમે તો નાચીએ અને નચાવીએ, હસીએ ને હસાવીએ, ગીત ગાઈએ અને છબી આંકીએ, જે આવિઃ વિશ્વાવિષ્કારના અહૈતુક આનન્દે અધીર છે તેના અમે દૂત છીએ. (આવીરાવીર્મ એધિ) એની અનેકવિધ લીલાને અન્તરે ગ્રહણ કરીને બહાર લીલાયિત કરવી એ જ અમારું કામ. માનવને ગમ્ય સ્થાને પહોંચાડવાનો દાવો અમે કરતા નથી. પથિકોની યાત્રાના સહચારી બનવું એ જ અમારું કામ. માર્ગની બન્ને બાજુએ જે છાયા, હરિયાળીનું જે ઐશ્વર્ય, જે ફૂલપાંદડાં, પંખીનાં ગીત — એ રસના ભોજ્યમાં અભાવ પૂર્ણ કરવા અમે અહીંયા આવીએ છીએ. જે ‘આવિ:’ અનેક થઈને, દિશાએ દિશાએ, સૂરે, ગાને, નૃત્યે, ચિત્રે, વર્ણે, રૂપે, સુખદુ:ખ, આઘાતસંઘાત, શુભઅશુભના દ્વન્દ્વે ક્રીડા કરે છે તેના અનેકવિધ રસને વહન કરવાનું કામ અમે ઉપાડી લીધું છે તેની રંગશાળામાં અનેકવિધ રૂપકો સજાવીને ભજવવાનો ભાર અમારે માથે છે. બસ, આ જ અમારો પરિચય. લોકોએ અમને બીજાં વિશેષણોથી નવાજ્યાં છે. કોઈ તત્ત્વજ્ઞાની કહે છે તો કોઈ વળી અમને પંતુજીના પદે બેસાડી દે છે. પણ હું તો બાલ્યકાળથી જ ક્રીડાને માટેના પક્ષપાતને કારણે સ્કૂલમાસ્તરને ટાળતો જ આવ્યો છું. એટલે માસ્તરનું પદ મને ન શોભે. બાલ્યકાળે અનેક સૂરના છિદ્રવાળી બંસી હાથમાં લઈને રસ્તે ઘૂમવા નીકળી પડતો ત્યારે પ્રભાતસમયની અસ્પષ્ટતામાં કશાકની સ્પષ્ટ થઈ ઊઠવાની ઝંખના હું અનુભવતો. આજે એ વાત યાદ આવે છે. અન્ધકારની સાથે પ્રકાશની એ પ્રથમ શુભદૃષ્ટિ — પ્રભાતની વાણીસ્રોતસ્વિનીનાં પૂરે તે દિવસે પહેલી વાર મારા મનની પાળ ભાંગી નાખી. ચિત્તસરોવરને હિલ્લોલિત કરી મૂક્યું. ઠીક રીતે સમજતો હોઉં કે ના સમજતો હોઉં, સ્પષ્ટ રીતે કહેતો હોઉં કે ના કહી શકતો હોઉં, પણ એ વાણીના આઘાતે મારી વાણી જાગી ઊઠી. વિશ્વની અનેકવિધ લીલાએ અનેક સૂરે નિખિલનું ચિત્ત ચંચળ થઈ ઊઠ્યું હતું. આજેય એ તરંગો શમ્યા નથી. સિદૃોર પૂરાં થયાં. સ્નેહીઓ આજેય મારા સ્વભાવની આ ચંચળતાની ફરિયાદ કરે છે. મારામાં ગામ્ભીર્યની ત્રુટિ છે. પણ વિશ્વકર્માના આદેશને કોણ ટાળે? એ પોતે ચંચલ, વસહતના અશાહત સમીરણે અરણ્યે અરણ્યે ચિરચંચલ. ગામ્ભીર્યના ખાડામાં દટાઈને હું મારા દિવસો ખોઈ શક્યો નથી. આ સિદૃોર વર્ષ દરમિયાન અનેક રીતે મેં મારી પરીક્ષા કરી જોઈ છે. આજે હવે મારા મનમાં લેશ માત્ર સંશય નથી. હું એ ચંચલનો લીલાસહચર છું, મેં શું કર્યું, હું શું મૂકતો જઈશ એની મને ખબર નથી. અમરતાને માટે મારે બાનું મૂકી જવું નથી. એ પણ ક્રીડા કરે છે પણ આસક્તિ રાખતા નથી. જે ક્રીડાઘર પોતે ઘડે તેને વળી જાતે જ ભાંગી નાખે. કાલે સન્ધ્યાકાળે આ આમ્રકાનનમાં જે રંગોળી પૂરી હતી તેને એક રાતના ઝંઝાવાતમાં એ ચંચલે ધોઈને ભૂંસી નાખી, હવે એને નવેસરથી પૂરવી પડશે. એના ક્રીડાઘરને માટે જો એકાદ રમકડું દઈ શકું તો મહાકાલ એનો સંગ્રહ કરી રાખશે એવી આશા હું રાખતો નથી. ભાંગેલું રમકડું આવર્જનાના સ્તૂપમાં લુપ્ત થશે. જીવ્યો છું તે સમય દરમિયાન જો મૃત્તિકાના પાત્રમાં આનન્દરસ રેડી શક્યો હોઉં તો બસ. ત્યાર પછીને દિને એ રસ પણ સુકાઈ જશે. પાત્ર પણ ફૂટી જશે. પણ તેથી કાંઈ ભોજનોત્સવમાં કશી ઊણપ દેખાવાની નથી. સિદૃોરમું વર્ષ પૂરું થવાને દિવસે આજે હું એ રસમયના શપથ લઈને બધાને કહું છું જે હું અમુકથી મોટો છું કે અમુકથી નાનો છું એ વ્યર્થ વિચારથી જ ક્રીડાનો રસ નષ્ટ થાય છે. મોજણીદારનું ટોળું માપપટ્ટી લઈને કોલાહલ કરતું ઊભું છે. એમને હું ભૂલી જવા ઇચ્છું છું. આ જગતમાં ખ્યાતિનો પ્રસાદ ધૂળમાં રગદોળાઈ રહૃાો છે. એને માટે પડાપડી કરવાનું મને મન નથી થતું. હું તો ઇચ્છું કે મજૂરીના હિસાબ અંગે ઊંચે સાદે રકઝક કરવાની બુદ્ધિ મને કદિ ન સૂઝો...જે લોકો શંખઘણ્ટા વગાડીને મને ઉચ્ચાસને બેસાડવા ઇચ્છે છે તેમને હું કહું છું કે હું તો નીચલું સ્થાન લઈને જ જન્મ્યો છું. વૃદ્ધના કે પ્રમુખના સ્થાને બેસવાના કર્તવ્યમાંથી રમતના ઉસ્તાદે મને મુક્તિ આપી છે. આ ધૂળ, માટી, ઘાસ ને વનસ્પતિઔષધિ — એ બધાં વચ્ચે હું મારું હૃદય બિછાવી જાઉં છું. જેઓ માટીના ખોળાની પાસે છે, જેઓ માટીને હાથે ઊછર્યા છે, જેઓએ માટીમાં જ ઘૂંટણીઆદ્વ કરી આખરે માટીમાં જ વિશ્રામ લીધો છે તે સૌનો હું મિત્ર છું, હું કવિ છું. વાણી: આષાઢ-શ્રાવણ, ૨૦૦૪