રવીન્દ્રપર્વ/૨૦૧. કવિની સાધના


૨૦૧. કવિની સાધના

મારા જીવનના નેપથ્યમાં નિરન્તર એક પ્રકારની સાધનાને અખણ્ડ રાખવા મથ્યા કરું છું. એ સાધના છે આવરણમોચનની સાધના, પોતાની પોતાને દૂર રાખવાની સાધના, મારી જાતને મારાથી મુક્ત કરવાની સાધના, સ્થિર થઈને બેસીને ઘણી વાર મારે આ વાતની ઉપલબ્ધિ કરવાનો પ્રયત્ન કરવો પડે છે; જે ‘હું’ રોજબરોજનાં સુખદુ:ખ તથા કર્મ અને વિચાર સાથે સંકળાઈને રહે છે તે સંખ્યાહીન અનાત્મના નિરુદ્દેશ ોતમાં વહી જવામાં સામેલ છે. એને દ્રષ્ટારૂપે સ્વતન્ત્રભાવે જો જોઈ શકીએ તો જ સમ્યક્દર્શન થયું કહેવાય. એની સાથે પોતાને અવિચ્છિન્ન એક કરીને જાણવો તે મિથ્યાજ્ઞાન. મારે માટે આ પ્રકારની ઉપલબ્ધિની વિશેષે કરીને જરૂર છે, માટે હું એની આટલી બધી ઇચ્છા રાખું છું. મારા મનનો વાસ ચૌટામાં, મારા બધા જ દરવાજા ખુલ્લા, ત્યાં બધી જાતની હવા આવે, બધી જ જાતના આગન્તુકો છેક અંદર સુધી ઘૂસી આવે. મનુષ્યના જીવનમાં નેપથ્ય નામની એક જગ્યા છે; એ જ એની વેદનાની જગ્યા, અનુભૂતિનું પણ એ જ સ્થાન. તેથી ત્યાં માત્ર અન્તરંગનો જ પ્રવેશ. એની સાથેની સુખદુ:ખની લીલા તે જ સંસારની લીલા. એ સીમામાં બધું જ સહી લેવું પડે. પણ મારા જીવનદેવતાએ મને કવિ બનાવવાનું નક્કી કર્યંુ હતું. તેથી મારા નેપથ્યગૃહને અરક્ષિત રાખ્યું છે. એની ખડકીને દરવાજો નથી, કારણ કે એ ચારે બાજુથી ખુલ્લું છે. તેથી જ મારા નેપથ્યગૃહમાં માત્ર આહૂત જ નહીં, રવાહૂત અને અનાહૂતની પણ આવજા ચાલ્યા જ કરે. મારા વેદનાયન્ત્રના બધા સપ્તકના બધા સૂર એવા તો સાધેલા છે કે એ સદા રણકી ઊઠવાને તૈયાર હોય છે. એ સૂરને થંભાવી દઉં તો મારું કામ જ ચાલે નહીં. સંસારને વેદના દ્વારા, અભિજ્ઞતા દ્વારા જ જાણવો પડે, નહીં તો પ્રકટ શું કરું? મારે કાંઈ વિજ્ઞાની કે દાર્શનિકની જેમ જ્ઞાનની વ્યાખ્યા આપવાની નથી, મારી અભિવ્યક્તિ તો પ્રાણની અભિવ્યક્તિ, પણ એક બાજુ એ અનુભૂતિમાં જ જેમ અભિવ્યક્તિની પ્રવર્તના રહી છે તેમ બીજી બાજુ એને છોડીને દૂર સરી જવું એ પણ રચનાની દૃષ્ટિએ આવશ્યક છે, કેમ કે દૂર સરી ગયા વિના સમસ્તને દેખી શકાય નહીં. સંસારની સાથે બિલકુલ એક થઈ જઈએ તો અન્ધતા જન્મે, જેને દેખવાનું છે તે જ દર્શનને અવરુદ્વ કરે. તે ઉપરાંત, નાનું તે મોટું થઈ ઊઠે ને મોટું લુપ્ત થઈ જાય. સંસારમાં જે મોટી વસ્તુ તેની સુુવિધા એ કે એ પોતાનો ભાર પોતે વહે. પણ નાની વસ્તુઓ તો બોજારૂપ થઈ ઊઠે. નાની વસ્તુ જ સૌથી વિશેષ નિરર્થક ને છતાં સૌથી વિશેષ ભાર પણ એનો જ. એનું મુખ્ય કારણ એ કે એનો ભાર તે અસત્યનો ભાર. દુ:સ્વપ્ન જ્યારે છાતી પર ચઢી બેસે ત્યારે પ્રાણ હાંફી ઊઠે. પણ આખરે તો એ માયા જ ને! જો અહમ્ની વેષ્ટનરેખાથી જીવનના પરિમણ્ડલને નાનું કરી મૂકીએ તો એ શૂદ્રના રાજ્યમાં શૂદ્ર જ મહાનનો છહ્મવેશ પહેરીને મનને ઉદ્વેજિત કરી મૂકે. જે સાચેસાચ મોટું છે, એટલે કે જે ‘હું’ ની પરિધિને વટાવી જાય છે તેની આગળ જો એને ખડું કરી દઈએ તો એનું મિથ્યા અતિશય નષ્ટ થતાં એ આવડું સરખું થઈ જાય, ત્યારે જે રડાવતું હતું તેને જોઈને હસવું આવે. આ કારણે જ ‘હું’ની મોટાઈને મારાથી અળગી રાખવાની સાધના જ જીવનની સૌથી મોટી સાધના છે; તો જ આપણા અસ્તિત્વના સૌથી મોટા અપમાનથી આપણે બચી જઈ શકીએ. નાના પિંજરામાં પુરાઈ રહેવું તે જીવનનું મોટામાં મોટું અપમાન છે. પશુપંખીને એ શોભે. એ ‘હું’ના પિંજરામાં બંધાઈને બધો માર સહેવો પડે. તેથી જ રવીન્દ્રનાથ ઠાકુરને કાંઈ નહીં તો એક પંક્તિ જેટલા છેટે રાખીને બેસાડવા તે રવીન્દ્રનાથને અત્યંત આવશ્યક છે, નહીં તો એને હાથે ડગલે ને પગલે લાંછિત થવાનું રહે. મૃત્યુશોકથી વૈરાગ્ય આવે છે. એ પ્રકારના વૈરાગ્યની મુક્તિ ઘણી વાર અનુભવી છે, પણ જે ખરેખર મહાન છે તેની સત્યરૂપે ઉપલબ્ધિ થાય છે ત્યારે જ યથાર્થ વૈરાગ્ય આવે છે. મારી અંદર જ બૃહત્ રહેલું છે, એ દ્વષ્ટા રૂપે છે. મારામાં શૂદ્ર પણ વસે છે, એ ભોક્તારૂપે છે. એ બંનેને એક કરી નાંખીએ તો દૃષ્ટિનો આનન્દ નષ્ટ થઈ જાય, ભોગનો આનન્દ દુષ્ટ થઈ જાય. (સંચય)