રવીન્દ્રપર્વ/૨૦૭. વાદળ અને તડકો


૨૦૭. વાદળ અને તડકો

શિલાઇદા, ૨૭ જૂન ૧૮૯૪ વાર્તા લખવાનું એક સુખ એ છે કે જેની વાત લખતા હોઈએ તેઓ આપણા દિવસરાતનો બધો અવસર સાવ ભરી દઈને આપણા એકાકી મનનાં સંગી બનીને રહે છે, વર્ષાના દિવસોમાં આપણા બદ્ધ ઘરની સંકીર્ણતાને દૂર કરી દે છે અને ઉનાળાના દિવસોમાં પદ્માના કાંઠાના ઉજ્જ્વળ દૃશ્ય વચ્ચે આપણી આંખને છાઈ દે છે. આજે સવાર વેળાએ તેથી જ તો ગિરિબાલા નામની ઉજ્જ્વળ શ્યામ વર્ણ એક નાની અભિમાની કન્યાનું મારા કલ્પનારાજ્યમાં અવતરણ થયું છે. હજુ તો પાંચેક લીટી જ લખી છે અને એ પાંચ લીટીમાં કહ્યું છે માત્ર આટલું જ કે કાલે વૃષ્ટિ થઈ ગઈ છે, આજે વરસાદ થઈ ગયા પછી ચંચળ મેઘ અને ચંચળ તડકાની મૃગયા ચાલી રહી છે. એવે વખતે પૂર્વસંચિત બિન્દુબિન્દુ વારિસીકરવર્ષા તરુતલે ગામડાને રસ્તે એ ગિરિબાલાનું આગમન થાય તે જરૂરી હતું. પણ એમ ન થતાં મારી નૌકામાં કામકાજ માટે લોકો મળવા આવ્યા તેને મુલાકાત આપવી પડી. આથી ગિરિબાલાને થોડી વાર રાહ જોવી પડશે. ભલે ને, તોય એ મનમાં તો આવી જ ચૂકી છે ને! આજે ગિરિબાલા વગર તેડે આવીને હાજર થઈ ગઈ છે; કાલે ખાસ જરૂર પડશે ત્યારે એની ઝૂલતી વેણીનો સૂચ્યગ્રભાગ પણ દેખી શકાવાનો નથી. પણ એ વાતથી આજે ક્ષુબ્ધ થઈ ઊઠવાનું કારણ નથી. શ્રીમતી ગિરિબાલાની તિરોધાનસમ્ભાવના હોય તો ભલે ને, આજે એનું શુભાગમન થયું છે ત્યારે એ આનન્દનો વિષય છે એમાં તો જરાય સન્દેહ નથી. આ વખતના પત્રથી સમજાયું કે આપણા ઘરની ક્ષુદ્રતમા પણ ક્ષુદ્ર હોઠ ચઢાવીને અભિમાન કરવાનું શીખી ગઈ છે. હું એની એ છબિ તાદૃશ જોઈ શકું છું. એની નરમ નરમ મૂઠીના મુક્કાને માટે મારું મોઢું અને નાક તલસી રહ્યાં છે. એ જ્યાં ને ત્યાં મને એના હાથથી પકડી લઈને માથું ડોલાવતી ધપ્ દઈને મારા પર ધસી આવતી ને એની ચંચળ આંગળીઓ વચ્ચે મારા ચશ્મા પકડી લઈને સાવ નિર્બોધ નિશ્ચિત ગમ્ભીરભાવે ગાલ ફુલાવીને મારા ભણી તાકી રહેતી તે હજુ મને યાદ આવે છે.