રવીન્દ્રપર્વ/૨૨. તારી જ રાગિણી

૨૨. તારી જ રાગિણી

તારી જ રાગિણી જીવનકુંજે
બજી રહો સદા બજી રહો —
તારું જ આસન હૃદયપદ્મે
શોભી રહો સદા શોભી રહો.
તવ નન્દનગન્ધમોદિત ફરું સુન્દર ભુવને,
તવ પદરેણુ થકી અર્ચ્યું તનુ
શોભી રહો સદા શોભી રહો —
સર્વ વિદ્વેષ દૂરે ચાલ્યા જાઓ
તવ મંગલમન્ત્રે,
વિકસો માધુરી અન્તરેબહારે
તવ સંગીત છન્દે.
તવ નિર્મલ નીરવ હાસ્ય વ્યાપી ગયું જોઉં વ્યોમે,
તવ ગૌરવે સકળ ગર્વ
લાજી રહો સદા લાજી રહો.

(નૈવેદ્ય)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪