રવીન્દ્રપર્વ/૩. ખોવાયેલું મન

૩. ખોવાયેલું મન

ઊભી છે તું ઓથ લઈને,
 વિચારે છે: ‘ઘરમાં જાઉં કે નહીં?’
 એક વાર સંભળાય છે કંકણનો રણકાર.

તારા ફિક્કા રાતા રંગના પાલવનો થોડો ભાગ
 દેખાય છે પવનથી ફરકતો
 બારણાંની બ્હાર.
તને હું જોઈ શકતો નથી.
 જોઉં છું કે પશ્ચિમ આકાશનો તડકો
 ચોરી કરે છે તારી છાયાની,
 પ્રસારી દે છે મારા ઘરની ભોંય પર.

જોઉં છું સાડીની કાળી કિનારીની નીચેથી
 તારા કનકગૌરવર્ણ પગની દ્વિધા
 ઘરના ઉમ્બર ઉપર.
આજે તને નહીં બોલાવું.
આજે વિખેરાઈ ગઈ છે મારી હળવી ચેતના —
 જાણે કૃષ્ણપક્ષના ગભીર આકાશે નીહારિકા,
 જાણે વર્ષાશેષે શરદની નીલિમામાં
 ભેળાઈ જતાં ધોળાં વાદળ.

મારો પ્રેમ
 જાણે પેલા તૂટી ગયેલી વાડવાળા ખેતરના જેવો —,
 ઘણાય દિવસથી હળ અને ખેડૂત જેને
 પડતું મૂકીને ચાલી ગયાં છે;
અન્યમનસ્ક આદિપ્રકૃતિ
 તેની ઉપર બિછાવે છે પોતાનું સ્વત્વ
 પોતાનાથી અજાણતાં.

તેને છાઈ દે છે ઘાસ,
 ઊગી ઊઠે છે અનામી વૃક્ષના છોડ,
તે ભેળાઈ ગયું છે ચાર દિશાનાં વન સાથે.
તે જાણે શેષરાત્રિનો શુક્રતારો,
 પ્રભાતના પ્રકાશમાં ડુબાવી દીધો છે
જેણે પોતાના પ્રકાશનો ઘડો.

આજે કશીય સીમાથી બંધાયું નથી મારું મન,
 તેથી જ તો કદાચ તું મને સમજવામાં ભૂલ કરશે.
 પહેલાંનાં ચિહ્નો બધાંય ગયાં છે ભુંસાઈ,
મને એક એકમ રૂપે પામી શકીશ નહીં કોઈ પણ સ્થળે —
 કોઈ પણ બન્ધને બાંધીને.

(શ્યામલી)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪