રવીન્દ્રપર્વ/૫૬. પ્રથમ ચુમ્બન

૫૬. પ્રથમ ચુમ્બન

સ્તબ્ધ થઈ દશે દિશા કરી નેત્ર નત
પંખીઓએ બંધ કર્યાં ગાવાં સહુ ગીત.
શાન્ત થઈ ગયો વાયુ-જલકલસ્વર
ઘડીકમાં થંભી ગયો, વનનો મર્મર.
વનના મર્મરમહીં ભળી ગયો ધીરે
નિસ્તરંગ તટિનીના જનશૂન્ય તીરે.
નિ:શબ્દે પ્રદોષચ્છાયે ઢળ્યો ધરણીપે
નિ:સ્તબ્ધ ગગનપ્રાન્ત નિર્વાક ત્યાં ધીમે.
તે ક્ષણે બારીએ મારી નીરવ નિર્જન
અમારું ઉભય તણું પ્રથમ ચુમ્બન.
દિશાએ દિશાએ બજી ઊઠ્યો એકાએક
દેવાલય આરતીનો શંખઘણ્ટારવ.
અનન્ત નક્ષત્રલોકે વ્યાપી ગયો કમ્પ
છલકાઈ ઊઠ્યાં અમ નેત્રે અશ્રુજલ.