રવીન્દ્રપર્વ/૫૮. કાલિદાસને
૫૮. કાલિદાસને
આજે તમે માત્ર કવિ, નહિ અન્ય કશું
ક્યાં તમારી રાજસભા? ક્યાં તમારો વાસ?
ને ક્યાં પેલી ઉજ્જયિની? લુપ્ત ક્યાંંય આજ.
પ્રભુ તવ, કાલિદાસ રાજા અધિરાજ
કશાનું રહ્યું ના ચિહ્ન. આજે મને લાગે
તમે હતા ચિરદિન ચિરાનન્દમય
અલકાના અધિવાસી. સન્ધ્યાભ્રશિખરે
ધ્યાન ભાંગી ઉમાપતિ ભૂમાનન્દપૂર્ણ
નૃત્ય કરી રહે જ્યારે જલદ સજલ
ગજિર્ત મૃદંગરવે તડિત ચપલ
છન્દે છન્દે દેતી તાલ, તમેય તે ક્ષણે
ગાતા’તા વન્દનાગાન ગીતિસમાપને
કર્ણ થકી લઈ બહુ સ્નેહપૂર્ણ હાસ્યે
પ્હેરાવી દેતાં’તાં ગૌરી તવ ચૂડા પરે.