રવીન્દ્રપર્વ/૬૧. પ્રશ્ન

૬૧. પ્રશ્ન

મારું મન કેવળ એકાન્તમાં સ્વપ્નોની છબિ આંક્યા કરે છે.
આકાશના દૂરદૂરના તારાને કાજે ધરતીનો માટીનો દીવો મિથ્યા
તલસ્યા કરે છે. જે મારે દ્વારે આવીને આપમેળે ઊભું
રહે છે તેને હૃદય ચાહતું નથી. જે કદી આવતું જ નથી
તેને જ કેમ મારું મન પ્રતિપળ સાદ દઈ રહ્યું છે?
ઉત્તર
હે પ્રિય, આ મારું મન મારું જ ક્યાં કશું માને છે!
મારું હૃદય કોને શોધે છે એની તો તારા હૃદયને જાણ છે જ.
તારા મિલનને કાજે
મારો પ્રેમ તો સદા જાગ્રત રહે છે,
ને એથી જ તો મારા પ્રેમનું શતદલ સુરભિથી અંજાયેલું છે.
તારાને માટે માટીનો આ દીવો મીટ માંડીને બેઠો છે!