રવીન્દ્રપર્વ/૬૬. કેમેલિયા

૬૬. કેમેલિયા

નામ એનું કમલા.
જોયું છે એની નોટ ઉપર લખેલું.
એ જતી હતી ટ્રામમાં, એના ભાઈને લઈને કોલેજને રસ્તે.
હું હતો પાછળની બેન્ચ પર.
મુખની એક બાજુની સુડોળ રેખા દેખી શકાતી હતી,
ને દેખી શકાતા હતા ગ્રીવા ઉપરના કોમળ કેશ અંબોડાની નીચે.
ખોળામાં હતાં પુસ્તકો ને નોટ.
જ્યાં મારે ઊતરવાનું હતું ત્યાં ઊતરવાનું બની શક્યું નહીં.
ત્યાર પછીથી સમયનો હિસાબ કરીને જ બહાર નીકળું —
એ હિસાબનો મારા કામની સાથે બરાબર મેળ ખાય નહીં,
એનો બરાબર મેળ ખાય કમલાના નીકળવાના સમય સાથે.
ઘણુંખરું દર્શન થાય. મનમાં ને મનમાં થતું જે ભલે ને બીજો કશો સમ્બન્ધ-
ન રહો,
એ છે મારી સહયાત્રિણી.
નિર્મળ બુદ્ધિવાળી મુખાકૃતિ
ઝગઝગ થાય છે જાણે.
સુકુમાર કપાળ ઉપરથી વાળની લટને ઊંચે લઈ લીધી છે,
ઉજ્જ્વલ નેત્રની દૃષ્ટિ છે નિ:સંકોચ.
મનમાં થયા કરતું કે એકાદ સંકટ કેમ દેખા દેતું નથી!
એનો એમાંથી ઉદ્ધાર કરીને જન્મ સાર્થક કરું, —
રસ્તામાં કશોક ઉત્પાત થાય,
નીકળી આવે એકાદ ગુંડાનો સરદાર.
એવું તો આજકાલ બન્યા જ કરે છે. પણ મારું ભાગ્ય જાણે કાદવનું-
ખાબોચિયું,
કોઈ મહાન ઘટનાનો ઇતિહાસ એમાં સમાઈ શકે નહીં,
સીધાસાદા દિવસો દેડકાની જેમ એકસરખું ડ્રાંઉ ડ્રાંઉ કર્યા કરે,
એમાં નિમન્ત્રણ નથી મગરમચ્છને, મગરને; રાજહંસની વાત જ શી!
એક દિવસ હતી ભારે ભીડ,
કમલાની પાસે બેઠો હતો એક એન્ગ્લો ઇંડિયન.
ઇચ્છા તો થઈ આવી કે કશાય કારણ વિના
ફેંકી દઉં એની હૅટ માથા પરથી,
ગળચી પકડીને એને ઉતારી મૂકું રસ્તા ઉપર.
કશું બ્હાનું જડે નહીં, હાથે ચળ આવે.
એવે વખતે એણે એક મોટી ચિરુટ કાઢી પીવી શરૂ કરી.
પાસે જઈને કહ્યું, ‘ફીષ્ી દે ચિરુટ.’
જાણે એણે સાંભળ્યું જ નહીં,
ગોટેગોટા ધુમાડો કાઢવા લાગ્યો.
મોઢામાંથી ખેંચીને ફેંકી દીધી ચિરુટ રસ્તા પર.
હાથની મૂઠી ઉગામીને એકસરખું એની સામે તાકી રહૃાો.
બીજું કશું બોલ્યો નહીં, એક કૂદકે એ નીચે ઊતરી ગયો.
કદાચ એ મને ઓળખતો હશે.
મેં નામ કાઢ્યું છે ફૂટબોલની રમતમાં,
ખાસ્સું મોટું નામ.
લાલ થઈ ઊઠ્યું છોકરીનું મુખ,
ચોપડી ઉઘાડીને માથું નીચું કરી ઢોંગ કર્યો વાંચવાનો.
હાથ કમ્પવા લાગ્યો,
કટાક્ષેય જોયું નહીં વીર પુરુષની ભણી!
ઓફિસે જતા કારકુનોએ કહ્યું, ‘ઠીક જ કર્યું ભાઈ, તમે.’
થોડા વખત પછી છોકરી ઊતરી પડી અસ્થાને.
એક ટેક્સી કરીને ચાલી ગઈ.

બીજે દિવસે એને જોઈ નહીં,
ત્યાર પછીને દિવસેય નહીં.
ત્રીજે દિવસે જોયું —
એક રિક્ષામાં જઈ રહી છે કોલેજે.
સમજ્યો, ભૂલ કરી બેઠો છું ગમારની જેમ.
એ છોકરી પોતાની જવાબદારી પોતે જ સંભાળી શકે છે,
મારે કશું જ કરવાની જરૂર નો’તી.
ફરી મનમાં બોલ્યો —
ભાગ્ય જ કાદવના ખાબોચિયા જેવું, —
વીરત્વની સ્મૃતિ કેવળ આજે મનમાં રહીરહીને અવાજ કર્યા કરે છે,
મોટા દેડકાના અટ્ટહાસ્યની જેમ.
નક્કી કર્યું કે ભૂલ સુધારવી પડશે.

જાણવા મળ્યું હતું કે ઉનાળાની રજામાં એઓ જાય છે દાજિર્લિંગ.
તે વખતે મારેય હવાફેર કરવાની જરૂર ઊભી થઈ.
એમનું નાનું શું ઘર, નામ ‘મતિયા’, —
રસ્તા પાસેનો ઢાળ ઊતરો ત્યાં જ ખૂણા પર,
વૃક્ષોની ઓથે.
સામે બરફનો પહાડ.
સાંભળવામાં આવ્યું કે આ વખતે એઓ આવવાનાં નથી.
‘ચાલ, પાછો જ વળું, ’ એમ વિચારતો હતો ત્યાં
દર્શન થયા મારા એક ભક્તનાં!
મોહનલાલ, —
રોગી માણસ, લાંબો, આંખે ચશ્માં.
એની દુર્બળ હોજરી દાજિર્લિંગની હવામાં જરા ઉત્સાહ પામે છે
એણે કહ્યું, ‘તનુકા મારી બહેન,
એ છોડવાની નથી તમારાં દર્શન કર્યા વિના.’
છોકરી છાયા જેવી,
દેહ જાણે જેટલો જોઈએ તેથી સહેજ પણ વધારે નહીં, —
જેટલો ભણવાવાંચવાનો છન્દ તેટલો આહારનો નહીં.
ફૂટબોલના સરદાર માટે તેથી જ આટલી ભક્તિ, —
એને તો થયું, વાત કરવા આવ્યો તેય જાણી મારી દુર્લભ દયા.
હાય રે ભાગ્યની રમત!
જે દિવસે પહાડ ઊતરી આવવાનો હતો
તેના બે દિવસ પહેલાં તનુકાએ કહ્યું,
‘એક વસ્તુ દઈશ આપને જેથી સ્મરણ રહેશે મારું, —
એક ફૂલનો છોડ,’
આ વળી એક ઉત્પાત. ચૂપ જ બેસી રહૃાો.
તનુકાએ કહ્યું, ‘મૂલ્યવાન દુર્લભ છોડ,
આ દેશની માટીમાં બહુ કાળજી રાખીએ તો જ પાંગરે.’
પૂછ્યું, ‘નામ શું?’
એણે કહ્યું, ‘કેમેલિયા.’
ચમકી ઊઠ્યો —
બીજું એક નામ ઝળકી ગયું મનના અન્ધકારમાં.
હસીને કહ્યું, ‘કેમેલિયા,
એને રીઝવવી સહેલી નહીં.’
તનુકા શું સમજી હશે, કોણ જાણે! એકાએક શરમાઈ ગઈ,
ખુશ પણ થઈ.
ચાલી નીકળ્યો ટબ સાથે છોડ લઈને.
સમજાઈ ગયું કે પાર્શ્વવતિર્ની તરીકે સહયાત્રિણી જેવીતેવી નથી.
એક બે ખાનાવાળા ડબ્બામાં
ટબને સંતાડ્યું બાથરૂમમાં.

જવા દો એ ભ્રમણવૃત્તાન્ત,
બાદ કરી નાખો બીજી કેટલાક મહિનાની તુચ્છતા.
પૂજાની રજામાં પ્રહસનનો પડદો ખૂલ્યો,
સાંતાલ પરગણામાં
સ્થળ નાનું. નામ કહેવા ઇચ્છતો નથી, —
હવાફેર કરનારા વાયુગ્રસ્ત લોકોને આ સ્થળની ખબર નથી,
કમલાના મામા હતા રેલવેના એન્જિનિયર.
એમણે અહીં જ ઘર બાંધ્યું હતું
શાલવનની છાયામાં, ખિસકોલીઓના ફળિયામાં.
ત્યાંથી નીલ પહાડ દેખી શકાય છે દિગન્તે,
અદૂરે જલધારા વહી જાય છે રેતીમાં થઈને, —
પલાશવનમાં કળીઓ બેઠી છે,
પાડો ચરે છે લીલાંછમ્મ વૃક્ષોની છાયામાં, —
સાંતાલનો દિગમ્બર છોકરો બેઠો છે એની પીઠ ઉપર.
ત્યાં બીજાં ઘરબર
તેથી જ તંબૂ તાણ્યો નદીને કાંઠે.
સાથી હતું નહીં કોઈ
કેવળ હતી ટબમાં પેલી કેમેલિયા.

કમલા આવી છે માને લઈને.
તડકો પડે તે પહેલાં
હિમના સ્પર્શવાળી સ્નિગ્ધ હવામાં
શાલવનમાં થઈને એ ફરવા નીકળે છત્રી હાથમાં લઈને.
ખેતરનાં ફૂલ ચરણે પડીને માથું પછાડે, —
પણ એના તરફ એ દૃષ્ટિ સરખી કરે તો ને!
અલ્પજલ નદી પગે ઓળંગીને
ચાલી જાય સામે કાંઠે.
ત્યાં શિશુવૃક્ષની છાયામાં બેસીને પુસ્તક વાંચે.
એ મને ઓળખે છે
એ મેં જાણ્યું એણે મારી કરેલી ઉપેક્ષાથી.
એક દિવસ જોયું, નદીને કાંઠે વનભોજન કરી રહૃાાં છે એ લોકો.
ઇચ્છા થઈ કે જઈને કહું, ‘હું શું કશાય ખપનો નથી?’
હું નદીમાંથી પાણી લાવી શકું,
વનમાંથી લાકડાં કાપી લાવી શકું,
ને એ સિવાય પાસેના જંગલમાંથી
એકાદ સારી જાતનું રીંછ પણ શું નહીં નીકળી આવે?
જોયો એ મંડળીમાં એક યુવકને,
ખમીસ પહેર્યું છે, અંગ પર રેશમનો પરદેશી પોશાક છે,
કમલાની પાસે પગ પસારીને
‘હવાના’ ચિરુટ પીએ છે.
ને કમલા અન્યમનસ્ક બનીને તોડી રહી છે
એક શ્વેત જાસૂદીની પાંખડીઓ.
પાસે પડી રહૃાાં છે
વિલાયતી માસિકપત્રો.
પળવારમાં સમજી ગયો કે આ સાંતાલ પરગણાના નિર્જન ખૂણે
હું અસહ્ય અતિરિક્ત, ક્યાંય કોઈ સંઘરે નહીં.
તે જ ઘડીએ ચાલી નીકળ્યો હોત, પણ એક કામ બાકી રહી જતું હતું.
થોડા જ દિવસમાં કેમેલિયાના પર ફૂલ બેસશે.
ફૂલ મોકલાવી દઉં પછી છૂટો.
આખૌ દિવસ બંદૂક ખભે મૂકીને શિકાર માટે
ભમ્યા કરું જંગલમાં,
સાંજ પહેલાં પાછો આવીને ટબમાં પાણી સિંચું
ને કળી કેટલે આવી છે તે જોઉં.
આજે એનો સમય થયો છે.
જે મારે માટે બળતણ લઈ આવે છે,
તે સાંતાલ કન્યાને મેં બોલાવી છે,
એને હાથે જ મોકલાવી દઈશ
શાલપત્રના સમ્પુટમાં.

ત્યારે તંબૂમાં બેસીને ડિટેકટીવ વાર્તા વાંચી રહૃાો હતો.
બહારથી મીઠે સૂરે અવાજ આવ્યો, ‘બાબુ, કેમ બોલાવી મને?’
બહાર આવીને જોયું તો કેમેલિયા
સાંતાલ કન્યાના કાન પર
કાળા ગાલની ઉપર દીપી રહી છે.
એણે ફરી વાર પૂછ્યું, ‘કેમ બોલાવી મને?’
મેં કહ્યું, ‘આટલા જ માટે.’
ત્યાર પછી હું કલકત્તા ચાલી આવ્યો.