રવીન્દ્રપર્વ/૭૭. ઓગો કાંગાલ
૭૭. ઓગો કાંગાલ
હે અકંચિન, તેં મને અકંચિન કરી મૂકયો છે, વળી તારે બીજું શું જોઈએ છે? હે ભિખારી, મારા ભિખારી, કેવું દુ:ખેભર્યું ગીત ગાતો તું ચાલી રહ્યો છે! દરરોજ પ્રભાતે તને હું નવાં નવાં ધનથી તુષ્ટ કરીશ એવા મને અરમાન હતા — હે મારા ભિખારી, પલકમાત્રમાં મેં તારા ચરણમાં સઘળું સોંપી દીધું છે. હવે તો બીજું કશું છે નહીં. મેં મારી છાતી પર છેડો વીંટાળીને તને વસ્ત્ર પહેરાવ્યું છે. તારી આશા પૂરી કરવા મેં મારા સમસ્ત સંસારને ઠાલવી દીધો છે. જો, મારાં પ્રાણ મન નવયૌવન બધું જ તારી હથેળીમાં પડ્યું છે — ભિખારી, હે મારા ભિખારી, જો હજી તારે જોઈતું હોય તો તું મને કશુંક આપ, હું તને એ પાછું વાળી દઈશ. (ગીત-પંચશતી)