રવીન્દ્રપર્વ/૭. છેલ્લો પત્ર

૭. છેલ્લો પત્ર

મનમાં થયું જે સૂનું ઘર મારાથી નારાજ થઈને બેઠું છે,
 મારાથી કશોક અપરાધ થઈ ગયો છે,
 તેથી એણે મોઢું ફેરવી લીધું છે.
 ઘરે ઘરે ભટકતો ફર્યો,
 પણ ક્યાંય મારું સ્થાન નહીં,
 એટલે નિ:શ્વાસ નાખીને પાછો ચાલ્યો ઙ્ઘ્યપન્નત્ન
આ ઘર ભાડે આપીને હવે ચાલ્યો જઈશ દહેરાદૂન,

અમલાના ઘરમાં ઘણા દિવસ સુધી ડોકિયુંય ન કરી શક્યો,
 જાઉં જાઉં ને દિલ પાછું હઠે.
 ભાડૂત આવશે, ઘર સાફ તો કરી આપવું જ પડશે —
 તેથી ઘરનું તાળું ખોલ્યું.

 એક જોડ આગ્રાની મોજડી,
માથામાં નાખવાની બકલ, તેલ, એસેન્સની શીશી,
 અભરાઈ પર એને વાંચવાની ચોપડી,
 નાનું હાર્મોનિયમ.
 એક આલ્બમ,
ચિત્રો કાપી કાપીને એનાં પાનાં પર ચોંટાડ્યાં છે.
 વળગણી પર ટુવાલ, ફ્રોક,
 ખાદીની ઓઢણી.
 નાના કાચના કબાટમાં
 અનેક પ્રકારનાં રમકડાં —
 શીશી, પાવડરના ખાલી ડબ્બા.
 સૂનમૂન થઈને બેસી જ રહૃાો ખુરશી ઉપર,
 ટેબલની સામે.
 લાલ ચામડાનું દફતર,
 એ નિશાળમાં સાથે લઈ જતી.
એમાંથી એક નોટ મેં બહાર કાઢી —
 આંક લખવાની નોટ.
અંદરથી નીકળી પડ્યો એક ખોલ્યા વગરનો પત્ર,
 મારા પર લખાયેલો,
 અમલાને હાથે, કાચા અક્ષરે.

સાંભળ્યું છે કે ડૂબી મરવાની વેળાએ
 ભૂતકાળનાં બધાં જ દૃશ્યો
 એક પળમાં એક સાથે આંખ આગળ ખડાં થઈ જાય છે —
પત્ર હાથમાં લેતાં એવી જ રીતે મનમાં ખડી થઈ ગઈ
 અનેક વાતો, એક પળમાં.

અમલાની મા જ્યારે મરી ગઈ
 ત્યારે એની ઉમ્મર સાત વરસની.
કોણ જાણે શાથી, મનમાં ભય પેસી ગયો
 કે જાણે એય વધારે દહાડા જીવવાની નથી —
કોણ જાણે શાથી, ઘણું કરુણ લાગતું એનું મુખ,
 જાણે અકાલવિચ્છેદની છાયા
 ભવિષ્યમાંથી દોડી આવીને અંકાઈ ગઈ હતી
 એની બે મોટી મોટી કાળી આંખો ઉપર.
એને છૂટી મૂકવાની હિમ્મત થતી નહીં.
 કામ કરતો હોઉં ઓફિસમાં બેસીને
 ત્યાં એકાએક મનમાં થઈ આવે જે
 એને કશું થયું તો નહીં હોય ને?

બાંકિપુરથી માસી આવ્યાં રજામાં,
કહ્યું, આ છોકરીનું ભણવુંગણવું તો ધૂળ થયું —
 મૂરખ છોકરીનો બોજો ઉપાડશે કોણ
 આજકાલના જમાનામાં!
શરમાઈ ગયો એમની વાત સાંભળીને,
કહ્યું, કાલે જ દાખલ કરાવી દઉં છું બેથ્યુન*માં.
 નિશાળે તો ગઈ,
પણ રજાના દિવસો વધતા ચાલ્યા ભણવાના દિવસ કરતાં.
 કેટલાય દિવસ બસ આવીને પાછી જતી.
 એ કાવતરામાં બાપનોય સાથ ખરો.

બીજે વરસે માસી આવ્યાં રજામાં.
બોલ્યાં, આમ કર્યે કાંઈ ચાલવાનું નથી.
બનારસની બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કરાવી દઈશ,
 મારે એને બાપના સ્નેહમાંથી બચાવી લેવી પડશે.
 એ તો માસીની સાથે ચાલી ગઈ.
 અશ્રુહીન અભિમાન
 હૈયામાં સમાવીને એ ચાલી ગઈ,
 મેં એને જવા દીધી તેથી.
હું નીકળી પડ્યો બદ્રિનાથની તીર્થજાત્રાએ,
 મારાથી જ બચીને દૂર ભાગવા માટે.

 ચાર માસ સુધી કશા જ ખબર નહીં
મનમાં થયું જે ચાલો, એક ગાંઠ છૂટી ઘઈ
 ગુરુની કૃપાથી.
છોકરીને મનમાં ને મનમાં સોંપી દીધી દેવતાના હાથમાં,
 હૃદય પરથી બોજો ઊતરી ગયો.

ચાર માસ પછી પાછો ફર્યો.
 જતો હતો અમલાને મળવા કાશી
 રસ્તામાં જ પત્ર મળ્યો,
 વિશેષ શું કહું?
 દેવતાએ જ એને લઈ લીધી.
 જવા દો એ બધી વાત.
અમલાના ઘરમાં બેસીને પેલો ખોલ્યા વગરનો પત્ર જોઉં છું
 એમાં લખ્યું છે,—
તમને મળવાની ખૂબ જ ઇચ્છા થાય છે.
 બસ, આટલું જ.

(પુનશ્ચ)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪