રવીન્દ્રપર્વ/૯૨. ઓ રે ભાઈ, ફાગુન
૯૨. ઓ રે ભાઈ, ફાગુન
ઓ રે ભાઈ, વન વનમાં ફાગણ પ્રકટી ઊઠ્યો છે. ડાળે ડાળે, ફૂલે ફળે, પાંદડે પાંદડે, આડશમાં અને ખૂણે ખૂણે, એણે રંગે રંગે આકાશને રંગીન કરી મૂક્યું છે. સમસ્ત વિશ્વ ગીતથી ઉદાસ થઈ ગયું છે. જાણે ચલ ચંચલ નવ પલ્લવદલ મારા મનમાં મર્મરિત થઈ ઊઠે છે. જુઓ જુઓ અવનિનો રંગ ગગનનો તપોભંગ કરે છે. એના હાસ્યના આઘાતે મૌન હવે ટકી શકતું નથી. એ ક્ષણે ક્ષણે કંપી ઊઠે છે. આખાય વનમાં પવન દોડી વળે છે. એને ફૂલોનો હજી પરિચય નથી. તેથી જ કદાચ એ વારે વારે, કુંજને દ્વારે દ્વારે દરેક જણને પૂછતો ફરે છે. (ગીત-પંચશતી)