રવીન્દ્રપર્વ/૯૪. ઓહે જીવનવલ્લભ
૯૪. ઓહે જીવનવલ્લભ
હે જીવનવલ્લભ, હે સાધનાથીય દુર્લભ, હું મારા મર્મની કથા કે અન્તરની વ્યથા — કશું જ તમને નહીં કહું. મેં તો મારાં જીવન અને મનને તમારે ચરણે ધરી દીધાં છે. તમે બધું સમજી લો. હું તે વળી શું કહું? આ સંસારના માર્ગનાં સંકટ ભારે કણ્ટકમય છે. હું તો તમારી પ્રેમમૂર્તિને હૃદયમાં લઈને નીરવે ચાલ્યો જઈશ. હું તે વળી શું કહું? સુખદુ:ખ, પ્રિયઅપ્રિય એ બધું મેં તુચ્છ કરી નાખ્યું છે. તમે તમારે પોતાને હાથે જે સોંપશો તે માથે ચઢાવી લઈશ. હું તે વળી શું કહું? તમારે ચરણે કશો અપરાધ કર્યો હોય ને જો તમે ક્ષમા નહીં કરો તો હે પ્રાણપ્રિય, મને નવી નવી વેદના આપજો. તોય મને દૂર ફેંકશો નહીં, દિવસને અન્તે મને તમારા ચરણ પાસે બોલાવી લેજો. તમારા સિવાય મારે બીજું છે કોણ? આ સંસાર મૃત્યુના અન્ધકારરૂપ છે. હું તે વળી બીજું શું કહું? (ગીત-પંચશતી)